૧૪ વર્ષીય સગીરાએ પાકિસ્તાની ક્રિકેટર વિરુધ રેપની ફરિયાદ નોંધાવી

૧૪ વર્ષીય સગીરાએ બળાત્કારનો આરોપ લગાવતા પાકિસ્તાનનો દિગ્ગજ લેગ સ્પિનર ​​યાસિર શાહ મુશ્કેલીમાં મુકાયો છે. યાસિર શાહ વિરુદ્ધ ઈસ્લામાબાદમાં FIR પણ દાખલ થઇ છે. મળેલ માહિતી અનુસાર, યાસિર શાહના મિત્ર ફરહાન વિરુદ્ધ પણ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, યાસિર શાહ પાકિસ્તાની ટેસ્ટ ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે. તેણે અત્યાર સુધી ૪૬ ટેસ્ટ રમી છે અને ૩૧.૦૯ની એવરેજથી કુલ ૨૩૫ વિકેટ લીધી છે. ઉપરાંત આ ફોર્મેટમાં તેના નામે એક સદી પણ છે.

૧૪ વર્ષીય સગીરાએ FIRમાં જણાવ્યું હતું કે  “યાસિરના મિત્ર ફરહાને ગન પોઈન્ટ પર મારી સાથે બળાત્કાર કર્યો હતો અને ફિલ્મ પણ ઉતારી અને મારા પર સતત ટોર્ચર કર્યું હતું. જ્યારે આ અંગે મેં યાસિર સરને વ્હોટ્સએપ પર ફરિયાદ કરી તો તેણે મારી મજાક ઉડાવી અને કહ્ય કે મને પણ સગીર છોકરીઓ પસંદ છે. ઉપરાંત યાસિરે કહ્યું હતું કે હું ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છું, મોટા અધિકારીઓને ઓળખું છું. યાસિર અને ફરહાન સગીર છોકરીઓ પર બળાત્કાર કરે છે અને તેનો વીડિયો બનાવે છે. તેણે મને વચન આપ્યું હતું કે તે મારા માટે એક ફ્લેટ ખરીદશે અને આવતા ૧૮ વર્ષ સુધી મારો ખર્ચ ઉઠાવશે.

ઇસ્લામાબાદ પોલીસે ક્રિકેટર યાસિર શાહ વિરુદ્ધ FIR નોંધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં આ સગીર છોકરીનો મેડિકલ ટેસ્ટ હાથ ધરાશે અને ત્યાર બાદ આગળ કાર્યવાહી હાથ ધરાશે. સગીરાના નિવેદન અનુસાર, યાસિર ફોન પર તેને કોઇપણ પ્રકારના ઘટસ્ફોટ ન કરવાની ધમકી આપતો હતો. તેણે મને ફરહાન સાથે લગ્ન કરવાની ટકોર પણ કરી હતી.

૧૪ વર્ષની સગીરાના કાકાએ પણ પોલીસને નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ફરહાનને સગીરાનો ફોન નંબર યાસિર શાહે જ આપ્યો હતો. ત્યાર પછી ફરહાન તેની સાથે રોજ વાતો કરતો હતો. આ દરમિયાન તેણે ગન પોઈન્ટ પર સગીરા સાથે રેપ કર્યો છે. યાસિરે સતત સગીરા સામે દબાણ કર્યું કે ફરહાન જોડે લગ્ન કરી લે. જ્યારે તેણે ના પાડી દીધી તો યાસિરે ચૂપ રહેવાની ધમકી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે,આ ઉપરાંત પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ સામે પણ એક મહિલાએ આક્ષેપ કર્યા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, બાબરે મારું ૧૦ વર્ષ સુધી શોષણ કર્યું અને ધમકી પણ આપતો હતો. ઉપરાંત બાબરે તેની સાથે લગ્ન કરવાના ખોટાં વચનો આપ્યાં હતાં અને તે પ્રેગ્નન્ટ પણ થઈ ગઈ હતી. ત્યાર પછી બાબરે તેને ધમકી આપી મારપીટ કરી હતી. બાબર અને તે એક જ શાળામાં અભ્યાસ કરતા હતા અને એક જ શેરીમાં રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *