ગુજરાતમાં ઓમીક્રોનના વધી રહેલા સંક્રમણ વચ્ચે હવે કોરોનાએ પણ અચાનક જોર પકડ્યું છે. રાજ્યની સ્કૂલોમાં પણ અત્યાર સુધીમાં કોરોનાના ૩૩ થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કોરોનાના વધી રહેલા કેસની અસર હવે બોર્ડ તથા ધો.૯ થી ૧૧ની પરીક્ષા પર પડી છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ તથા ૧૨ બોર્ડ અને ધોરણ ૯ થી ૧૧ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૪ તારીખને બદલે ૨૮ માર્ચથી શરૂ થશે. ઉપરાંત ઉનાળાનું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે રાજ્યની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં હવે પછી લેવાનાર ધોરણ ૯ થી ૧૨ની બીજી પરીક્ષા પ્રિલીમ પરીક્ષા, ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા, પ્રાયોગિક પરીક્ષા તેમજ ધોરણ ૯ અને ૧૧ ની વાર્ષિક પરીક્ષાની તારીખો લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં કોરોના મહામારીની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.૧૫/૦૭/૨૦૨૧થી ધોરણ-૧૨ માં તેમજ તા.૨૬/૦૭/૨૦૨૧ થી ધોરણ-૯ થી ૧૧ માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલ છે. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ ખસેડવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી ૧૨ના અંદાજીત ૩૨ લાખ જેટલા વિદ્યાર્થીઓને લાભ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકશે. તેમજ પરીક્ષામાં સારો દેખાવ કરીને પોતાની પસંદગી મુજબના આગળના ઉચ્ચ અભ્યાસમાં જોડાઈ શકશે. આમ, ગુજરાત સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પુરતી તૈયારી કરવાની વિશાળ તકો ઉપલબ્ધ થશે. તેમજ તેઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકશે.