લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં ત્રીજા માળે આ વિસ્ફોટ થયો છે. જેમાં એક મહિલા સહિત બેના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લુધિયાણાની કોર્ટના ત્રીજા માળે 9 નંબરની કોર્ટના વોશરૂમ નજીક આ ધડાકો થયો. જેમાં બે વ્યક્તિના મોત થયા. કહેવાય છે કે આ ધડાકો એટલો ભીષણ હતો કે આખું બિલ્ડિંગ હલી ગયું. વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. લોકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. ધડાકાના કારણે પાર્કિંગમાં ઊભેલા કારો પણ ડેમેજ થઈ.
પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ કોર્ટ પરિસરમાં ત્યારે થયો જ્યારે જિલ્લા કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
વિસ્ફોટ બાદ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે તેઓ લુધિયાણા જઈ રહ્યા છે અને સ્થળ પર માહિતી મેળવશે. તેમણે કહ્યું, “પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી આવતા જ કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. સરકાર એલર્ટ પર છે. આ મામલામાં દોષિતોને બક્ષવામાં આવશે નહીં.”