વડોદરા શહેરમાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેમાં એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા છે. ઓવરહિટિંગના કારણે બોઈલર ફાટતાં પ્રચંડ બ્લાસ્ટ થયો અને ક્ષણભરમાં જ કેમિકલ કંપનીમાં હાહાકાર મચી ગયો. દાઝી ગયેલા ૧૦થી વધુ લોકોની ચીચીયારીઓથી આખા વિસ્તારમાં હૈયું કકળી ઉઠે તેવો માહોલ જોવા મળ્યો.આ ઘટના સમયે આસપાસની કંપનીઓમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડે બચાવકાર્ય હાથ ધરતાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે SSG હોસ્પિટલમાં લઈ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર સમશેરસિંઘ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે કંપનીની મુલાકાત કરી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપની પાસે આવેલું મકાન પણ ધરાશાયી થઈ ગયું છે. નિયમો પ્રમાણે કંપની પાસે રહેણાક મકાન ન હોવું જોઈએ. તેમ છતાં ત્યાં મકાન બનાવી દેવાતા કંપની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કમિશનરે પણ એ વાતને સમર્થન આપ્યું કે કંપની પાસે મકાન ન હોવું જોઈએ.
પોલીસે દાવો કર્યો છે કે, કંપનીના તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે. તે ઉપરાંત કંપનીની જો કોઈ ગુનાકિય બેદરકારી હશે તો ગુનો દાખલ કરાશે. ઉલેખનીય છે કે, કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વસાહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. ત્યારે બીજી તરફ કંપનીના ડાયરેક્ટરની વર્તણૂક કંપનીની કોઈ જ ભૂલ ન હોય તે પ્રકારની જણાઈ રહી છે. અને કોઈપણ પ્રકારની જવાબદારી લેવા ન માગતા હોય તેવી માહિતી સામે આવી છે.