અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે શહેરના નવરંગપુરામાં કોલ સેન્ટરની આડમાં ચાલતું ટેલિફોન એક્ષચેન્જ ઝડપી પાડ્યું હતું. સાથે જ આ ગેરકાયદેસર ટેલિફોન એક્ષચેન્જના મુખ્ય સુત્રધારને રીયાઝ શેખને પુનાથી પકડી પાડ્યો હતો. સાથે જ આ કૌભાંડના છેડા છેક કેરળ અને દુબઈ સુધી પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને નવરંગપુરામાં ગેરકાયદેસર ટેલિફોન એક્ષચેન્જની બાતમી મળી હતી. જેથી ટેલિકોમ્યુનિકેશનના અધિકારીઓ સાથે ત્યાં જઈને તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. સરખેજમાં રહેતા તબરેઝ ઉર્ફે અલ્લારખા કટારિયાએ જીઓ કંપનીની 1000 કોલની SIP લાઈન તથા 50 MBPSની લીઝ લાઈન મેળવી કોલ સેન્ટરમાં સેટઅપ કરેલી લીઝ લાઈન, સીપ લાઈન તથા સર્વર મળ્યા હતા. જેના મારફતે તે VMWARE નામના વર્ચ્યુઅલ મશીનથી અન્ય LINUX તથા વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ, એની ડેસ્ક સોફ્ટવેર મારફતે ઓપરેટ કરી માઈક્રોટેક ક્લાઉડકોર નામના રાઉટરની મદદથી વિદેશથી આવતા કોલને રૂટ કરી જી.એસ.એમ. નેટવર્કમાં ફેરવતો હોવાનું જણાયું હતું. અગિયાર દિવસમાં આશરે 12,46,654 જેટલા વિદેશી કોલને ઉપરોક્ત સોફ્ટવેરની મદદથી રૂટ કરી જી.એસ.એમ. નેટવર્કમાં ફેરવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ સમગ્ર ટેલિફોન એક્સચેન્જ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા રીયાઝ શેખની પણ 16 ડિસેમ્બરના રોજ પુના ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આરોપી રીયાઝ પુનામાં ફાયબર સ્ટોરી કોમ્યુનિકેશનશ નામથી ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરતી કંપની ચલાવતો હતો. ટેકનિકલ ક્ષેત્રમાં વધારે હોંશિયાર હોવાથી પૈસા કમાવવાની લાલચમાં તેણે કોડીનારમાં રહેતા પોતાના મિત્ર ફરજાનઅલીની મદદથી આ કાવતરું રચ્યું હતું. રીયાઝે તબરેજના નામે જીયો કંપનીમાંથી લીઝ લાઈન તથા સીપ લાઈન મેળવી, આ સીપ લાઈનની મદદથી ગેરકાયદેસરનું ટેલિફોન એક્ષચેન્જ ઉભુ કરી વિદેશમાં કોલીંગ કાર્ડનો ધંધો કરતા અને કેરળમાં રહેતા રફીક બાબુ તથા દુબઈમાં રહેતા સરીયાર સાથે મળી વિદેશી કોલ તેમના મારફતે મેળવી ઉપરોકત સીપ લાઈનની મદદથી તેને ડોમેસ્ટીક કોલમાં ફેરવતા હતાં. આમ ખુબ મોટા પ્રમાણમાં પૈસા કમાતા હતા.
આરોપી રીયાઝના ફોનનો ડેટા તપાસ કરતા તેના પાકિસ્તાનની નાગરિકો સાથે પણ સંપર્ક હોવાનું જણાઈ આવ્યું છે, જે બાબતે તપાસ ચાલુ છે. આરોપી ફરજાનઅલી કાદરીને શોધવા બાબતે હજુ પણ પોલીસની તપાસ ચાલું છે. તપાસ દરમિયાન જણાયું હતું કે, ઉપરોક્ત ટેલિફોન એક્ષચેન્જમાં યુ.એ.ઈ. તથા અન્ય ગલ્ફ દેશોમાંથી આવતા ઈન્ટરનેશન કોલને ડાયવર્ટ કરી લોકલ કોલમાં કન્વર્ટ કરી દેશને તથા ટેલીકોમ કંપનીઓને કુલ રૂ.3.66 કરોડનું નુકશાન કર્યું છે. તેમજ ભવિષ્યમાં ભારત દેશમાં આતંકવાદી બનાવમાં આવા ટેલિફોન એક્ષચેન્જનો ઉપયોગ થઈ શકવાની શક્યતા નકારી શકાય નહી. જેથી આ બાબતે ઉંડાણ પુર્વક તપાસ ચાલુ છે.