ભારત સરકારના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના અનેક શહેરોમાં “ફિટ ઇન્ડિયા – ફિટ ગુજરાત સાઈકલોથોન” નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સુરતથી રાજ્યવ્યાપી સાયકલોથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ તેમણે સાયકલ ચાલનથી સ્વસ્થતા દ્વારા બિનચેપી રોગોથી મુક્તિના સંદેશને ઉજાગર કરતા સાયકલ સ્વારોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર. પાટીલ સહિત અગ્રણીઓ આ રેલીના પ્રસ્થાનમાં જોડાયા હતા.
રાજકોટમાં પણ આ સાઇક્લોથોનનું પ્રસ્થાન કરાવવમાં આવ્યું હતું. આ સાઇક્લોથોન રાજકોટમાં 2 રુટ પર યોજાઈ હતી. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના 247 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પરથી 3029 સાયકલીસ્ટોએ પણ સાઇક્લોથોનમાં ભાગ લીધો હતો. મહેસાણા શહેર અર્બન સેન્ટર ખાતેથી મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને અગ્રણી જશુભાઇ પટેલે સાયકલ ચાલકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ.
વધુમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં મહાનુભાવોએ વહેલી સવારે ઉપસ્થિત રહી સાઇક્લોથોનમાં ભાગ લઇ રહેલા સાઇક્લિસ્ટોનો ઉત્સાહ વધારો કરી, સાઇક્લોથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. જે અન્વયે મોડાસા, તાપી, આણંદ સહિતના જિલ્લા મથકોએ સાઇક્લોથોન યોજાઈ હતી.