દેશમાં ઓમિક્રોન વેરિયેન્ટના વધતા કેસોને ગંભીરતાથી ધ્યાને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગતરાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમને જણાવ્યું હતું કે, ભારતમાં પણ ઘણા લોકો ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમને સૌને વિનંતી આ પરિસ્થિતિમાં ગભરાવા કરતા સાવધાન અને સાવચેત રહેવા આહવાન કર્યું હતું. આ ઉપરાંત માસ્ક પહેરવા અને હાથને થોડી-થોડી વારમાં ધોવા જેવી બાબતો અંગે વાત કરતા કહ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારી સામે લડવાનો અત્યાર સુધીનો અનુભવ દર્શાવે છે કે, વ્યક્તિગત સ્તરે તમામ દિશાનિર્દેશોનું પાલન કરવું એ કોરોના સામે લડવાનું એક મોટું શસ્ત્ર છે, જ્યારે બીજુ શસ્ત્ર રસીકરણ છે.
રસીકરણની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી નાગરિકોને કોરોના વિરોધી રસી આપવાનું અભિયાન શરુ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઇચ્છા શક્તિના કારણે આજે ભારતે 141 કરોડ રસીના ડોઝના અભૂતપૂર્વ અને ખૂબ જ મુશ્કેલ લક્ષ્યને પાર કરી લીધું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી હતી કે, દેશના બાળકોને કોરોના સામે રક્ષિત કરવા 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકો માટે પણ હવે દેશમાં આગામી 3 જાન્યુઆરી 2022, સોમવારથી રસીકરણ શરૂ થશે. વધુમાં તેમણે જાહેરાત કરી હતી કે, સાવચેતીના દૃષ્ટિકોણથી સરકારે વધુ એક નિર્ણય એ પણ લીધો છે કે, દેશના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે આગામી તારીખ 10 જાન્યુઆરી 2022 થી પ્રિકોશન માટે બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરવામાં આવશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વય ધરાવતા કો-મોર્બીલીટી વાળા લોકોને પણ ડોક્ટરની સલાહ મુજબ પ્રિકોશન બુસ્ટર ડોઝ આપવામાં આવશે, તેમ જણાવ્યું હતું.
વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોરોના સામે રક્ષણ મેળવવવા માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા માટે જણાવતા કહ્યું હતું કે, આપણા સૌનો પ્રયાસ કોરોના સામે દેશને મજબૂત બનાવશે.