વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે કાનપુરની મુલાકાતે પહોચ્યા છે. કાનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા રેલ વિભાગનું ઉદ્ઘાટન કર્યું. આ સમગ્ર મેટ્રો રેલ લાઇનની લંબાઈ ૩૨ કિમી છે. તેના નિર્માણમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો. વડાપ્રધાન મોદીએ આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું અને IIT મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સુધી ટ્રેનમાં સવારી કરી હતી. પીએમ મોદી બીના-પંકી મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. ત્રણસો છપ્પન કિલોમીટર લાંબી બીના-પંકી મલ્ટિ-પ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટની સપ્લાય ક્ષમતા વાર્ષિક આશરે ૩૪ લાખ ૫૦ હજાર મેટ્રિક ટન છે.
વડાપ્રધાન નરેન્દ્રમોદી આ પહેલા IIT કાનપુરના ૫૪ માં દિક્ષાંત સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કોન્વોકેશન દરમિયાન, તમામ વિદ્યાર્થીઓને નેશનલ બ્લોકચેન પ્રોજેક્ટ હેઠળ સંસ્થામાં વિકસિત ઇન-હાઉસ બ્લોકચેન સંચાલિત ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રી આપવામાં આવી.
વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે આ યુગ, આ ૨૧મી સદી સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત છે. આ દાયકામાં પણ ટેક્નોલોજી વિવિધ ક્ષેત્રોમાં પોતાનું વર્ચસ્વ વધારશે. ટેક્નોલોજી વિનાનું જીવન હવે એક રીતે અધૂરું હશે. આ જીવન અને ટેકનોલોજીની સ્પર્ધાનો યુગ છે અને મને ખાતરી છે કે તમે આમાં ચોક્કસપણે આગળ આવશો. પહેલા વિચારથી કામ ચલાવવાનું હતું, તો આજે વિચારીને કંઈક કરવું, કામ કરવું અને પરિણામ લાવવાનું છે. અગાઉ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો પ્રયાસ થતો હતો તો આજે પ્રશ્નોના નિરાકરણ માટે સંકલ્પો લેવામાં આવે છે.
દેશની આઝાદીને ૨૫ વર્ષ પૂરા થયા, ત્યાં સુધીમાં આપણે આપણા પગ પર ઊભા રહેવા માટે ઘણું બધું કરી લેવું જોઈતું હતું. ત્યારથી ઘણું મોડું થઈ ગયું છે, દેશે ઘણો સમય ગુમાવ્યો છે. વચ્ચે બે પેઢીઓ વીતી ગઈ એટલે આપણે બે પળ પણ ગુમાવવી નથી. વડાપ્રધાને કહ્યું કે આવનારા ૨૫ વર્ષોમાં તમારે ભારતની વિકાસ યાત્રાની બાગડોર સંભાળવી પડશે. જ્યારે તમે તમારા જીવનના ૫૦ વર્ષ પૂરા કરશો, ત્યારે તમારે તે સમયે ભારત કેવું હશે તે માટે તમારે અત્યારથી જ કામ કરવું પડશે.
IIT કાનપુરના ૫૪માં દીક્ષાંત સમારોહમાં સીએમ યોગીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે આ દેશે ૨૦૨૦માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી છે. IIT કાનપુરે રાજ્ય સરકાર સાથે પરસ્પર સહયોગના ઘણા ઉદાહરણો રજૂ કર્યા છે.