આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ સોમુ વીરરાજુએ વચન આપ્યું છે કે જો આંધ્ર પ્રદેશમાં ભાજપ સત્તા પર આવશે તો તે 50 રૂપિયા પ્રતિ ક્વાર્ટર બોટલના ભાવે ‘ગુણવત્તા’ દારૂ વેચશે. હાલમાં ગુણવત્તાયુક્ત દારૂની એક ક્વાર્ટર બોટલ 200 રૂપિયાથી વધુમાં વેચાય છે.
સોમૂ વીરરાજૂ મંગળવારે પાર્ટીની જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન વીરરાજૂએ રાજ્ય સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, રાજ્યમાં નકલી બ્રાન્ડનો દારૂ ઉંચા ભાવે વેચવામાં આવી રહ્યો છે. જ્યારે સારી બ્રાન્ડનો દારૂ રાજ્યમાં ઉપલબ્ધ જ નથી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, ‘પ્રદેશની દરેક વ્યક્તિ દારૂ માટે પ્રતિમાસ 12 હજાર રૂપિયાનો ખર્ચો કરે છે. રાજ્યમાં એક કરોડ લોકો દારૂ પીવે છે. હું ઈચ્છું છું કે, આ એક કરોડ લોકો ભાજપને મત આપે. ભાજપની સરકાર આવશે એટલે તેમને 75 રૂપિયામાં ગુણવત્તાયુક્ત દારૂની બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો રેવન્યુ સારી રહી તો 50 રૂપિયા પ્રતિ બોટલ પણ વેચાશે.’
ભાજપના પ્રદેશ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષના નેતાઓ પાસે દારૂની ફેક્ટરીઓ છે જે સરકારને સસ્તો દારૂ સપ્લાય કરે છે. સોમુ વીરરાજુએ પણ જો ભાજપ સત્તામાં આવશે તો રાજ્યમાં લોકોને મફત શિક્ષણ અને મફત આરોગ્ય યોજનાઓનું વચન આપ્યું હતું. તેમણે રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે કૃષિનો વિકલ્પ પણ લાવવામાં આવશે.