અમદાવાદ શહેરના બગોદરા હાઈવે પર આજે સવારે ખૂબ જ ભયાનક અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં છે અને ૧૦ લોકો ઘાયલ થયા હતા. બગોદરા-તારાપુર ચોકડીથી એકાદ કિમી દૂર વટામણ ચોકડી બાજુ એક તુફાન ગાડી રોડ પર ઉભેલા ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. તુફાન ગાડીમાં રાજકોટની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. અચાનક તુફાન ગાડી ટ્રકની પાછળના ભાગે ઘૂસી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી સારવાર અર્થે હાલ બગોદરા આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
આ અકસ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ૧૧ લોકોને ઘાયલ થયા છે. તુફાન ગાડીમાં ૬ વિદ્યાર્થીનીઓ, ૪ વિદ્યાર્થી, કોચ રાજીવભાઈ તથા શાળાના સ્પોર્ટ શિક્ષક ભુસણભાઈ અને શિક્ષકા નીલમબેન ઉપરાંત અન્ય એક વ્યક્તિ સવાર હતા. તેઓ ૨૮ તારીખના રોજ વાપીની શાળામાંથી રાજકોટ પરત જવા નીકળ્યા હતા તે સમયે બુધવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો.