BPL કાર્ડ ધારકોને મળશે નવા વર્ષની ભેટ, પેટ્રોલ અને ડીઝલ મળશે ૨૫ રૂપિયા સસ્તું

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ઝારખંડના મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી છે. ઝારખંડમાં આવનારા નવા વર્ષથી પેટ્રોલ અને ડીઝલ ૨૫ રૂપિયા સસ્તું મળશે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને આ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ ફક્ત BPL કાર્ડધારકોને જ મળશે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે, ૨૬મી જાન્યુઆરીથી ઝારખંડમાં BPL કાર્ડધારકોને પેટ્રોલ અને ડીઝલ ૨૫ રૂપિયા સસ્તું મળશે.

 

ઝારખંડમાં પેટ્રોલ ડીઝલ અસોસિએશન પણ સતત પેટ્રોલ-ડીઝલ પરના વેટ દરો ઘટાડવાની માગણી કરી રહ્યું હતું. અસોસિએશન સરકાર પાસે પેટ્રોલ પર ૫% વેટ ઘટાડવાની માગણી કરી રહ્યું હતું. એસોસીએશનના જણાવ્યા અનુસાર, જો સરકાર વેટનો દર ૨૨ ટકાથી ઘટાડીને ૧૭ ટકા કરે તો લોકોને મોટી રાહત મળશે. ઉપરાંત ઝારખંડના પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. તેવામાં ઝારખંડથી ચાલનારા વાહનો પાડોશી રાજ્યોમાંથી ડીઝલ ભરાવી રહ્યા છે માટે તેમને નુકસાન થઈ રહ્યું છે.

અસોસિએશનના અધ્યક્ષ અશોક સિંહે જણાવ્યું કે, પેટ્રોલિયમ ડીલર્સે મુખ્યમંત્રી હેમંત સોરેનને એક ચિઠ્ઠી લખી હતી અને નાણા મંત્રીની મુલાકાત પણ લીધી હતી. ઝારખંડમાં ૧,૩૫૦ પેટ્રોલ પંપ છે જે સીધી રીતે ૨.૫૦ લાખ કરતાં વધારે પરિવારોની આજીવિકા સાથે સંકળાયેલા છે અને વેટના ઉંચા દરોના કારણે વ્યવસાય પ્રભાવિત થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *