યુપી વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ચૂંટણી પંચની ટીમે આજે મીડિયાને માહિતી આપતા કહ્યુ હતુ કે, તમામ રાજકીય પક્ષો નિયત સમયે જ ચૂંટણી યોજાય તેવુ ઈચ્છી રહ્યા છે.જોકે કેટલીક પાર્ટીઓ રેલી કરવાના વિરોધમાં છે.
ચૂંટણી પંચના સભ્યોએ કહ્યુ હતુ કે, ઘણી પાર્ટીઓએ રેલીઓની સંખ્યા મર્યાદિત રાખવા સૂચન કર્યુ છે તેમજ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં મતદાન મથકો નહીં રાખવા અને મતદાન દરમિયાન કોરોના પ્રોટોકોલનુ પાલન કરવામાં આવે.યુપીમાં 15 કરોડ મતદાતા છે અને તેમાંના 52 ટકા નવા વોટર છે.
પહેલી વખત ચૂંટણીમાં ઘરેથી વોટ આપવાની સુવિધા 80 વર્ષથી વધારે વય ધરાવતા નાગરિકોને, દિવ્યાંગોને અથવા તો કોરોના સંક્રમિત લોકોને આપવામાં આવશે.જો તેઓ મતદાન મથક સુધી ના જવા માંગતા હોય તો ચૂંટણી પંચની ટીમ તેમને ઘરે જઈને મત આપવાની સુવિધા આપશે.આ પ્રક્રિયા પારદર્શી રહેશે.
કોરોનાની લહેરને જોઈને વેક્સીનેશન વધારવા માટે પણ કહેવામાં આવ્યુ છે.રાજ્યમાં 86 ટકા લોકોને પહેલો ડોઝ અને 49 ટકા લોકોને બીજો ડોઝ લાગી ચુકયો છે.બાકીના જે લોકો છે તેમને પંદર થી વીસ દિવસમાં ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવશે.સાથે સાથે કોરોનાને જોતા મતદાન માટેના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવશે.
તેમના કહેવા પ્રમાણે ચૂંટણી માટે કામ કરી રહેલા કર્મચારીઓને જરુર પડી તો બૂસ્ટર ડોઝ પણ લગાવવામાં આવશે .