છેલ્લા કેટલાક સમયથી દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે રાત્રે તમિલનાડૂનાં ચેન્નઈમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદનાં કારણે રસ્તાઓ અને સબવે પાણીમાં ડૂબી ગયા હતા. શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાના કારણે લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. સાંજે 6 થી 8:30 વાગ્યા સુધી શહેરનાં ઘણા વિસ્તારોમાં ખાસ કરીને માઉન્ટ રોડ, પૂનમલી રોડ પર ભારે વરસાદ જોવા મળ્યો હતો.
ચેન્નઈ શહેરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ બાદ વીજળી પડવાથી ત્રણ લોકોનાં મોત પણ થયા છે. જ્યારે અન્ના નાગાટો વિસ્તારમાં વીઆર મોલની છતનો એક ભાગ પણ ધરાશાયી થયો છે. કમોસમી વરસાદનાં કારણે રાજ્યનાં ખેડૂતોની ચિંતામાં પણ વ્યાપક વધારો થયો છે. રાજ્ય સરકારનાં જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસનાં કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.