માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ થી 12 શ્રદ્ધાળુઓના મોત, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ

જમ્મુ કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ થવાના કારણે ૧૨ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ૧૩ જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. જાણવા મળ્યા મુજબ આ દુર્ઘટના રાતે ૨:૪૫ કલાક આસપાસના સમયે બની હતી. પ્રાથમિક વિગતોમાં એવું સામે આવ્યું છે કે, કોઈ વાતને લઈ વિવાદ વકરતાં શ્રદ્ધાળુઓએ એકબીજાને ધક્કા માર્યા હતા અને ત્યાર બાદ ભાગદોડ મચી ગઈ હતી.

કટરા હોસ્પિટલના બીએમઓ ડોક્ટર ગોપાલ દત્તે મૃતકઆંક અંગેની પૃષ્ટિ કરી હતી. હાલ ઘાયલોને સારવાર માટે નારાયણા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે જ્યારે પોલીસના કહેવા પ્રમાણે હવે સ્થિતિ કાબૂમાં છે. જાણવા મળ્યા મુજબ નવા વર્ષના પ્રસંગે શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે પહોંચ્યા હતા અને તે દરમિયાન અચાનક જ ભાગદોડ મચી ગઈ હતી.

એક અહેવાલ પ્રમાણે મૃતકો અને ઘાયલોનો આંકડો હજુ પણ ઉંચો જઈ શકે છે. મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરના 1-1 શ્રદ્ધાળુનો સમાવેશ થાય છે અને અન્યની ઓળખ પ્રક્રિયા ચાલુ છે.

આ દુર્ઘટના અંગે જાણ થયા બાદ વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ભગવાન ઘાયલોને જલ્દી સાજા કરે તેવી પ્રાર્થના પણ કરી હતી. વડાપ્રધાનના કહેવા પ્રમાણે તેમણે જમ્મુ કાશ્મીરના ગવર્નર મનોજ સિન્હા, ઉધમપુરના સાંસદ ડોક્ટર જિતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે વાત કરીને સ્થિતિની જાણકારી મેળવી છે. ઘાયલોને તમામ સંભવિત ચિકિત્સા સહાયતા અને અન્ય મદદો પ્રદાન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

એલજી મનોજ સિન્હાએ શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડના કારણે શ્રદ્ધાળુઓના મોત મામલે ગાઢ દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. તે સિવાય તમામ ઘાયલોને 2-2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેમની સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ વહન કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને ટ્વિટરના માધ્યમથી ખાતરી આપી હતી કે, પ્રશાસન ઘાયલોને સારાવર પહોંચાડવા માટે નિરંતર કાર્યરત છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *