મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા, અને બાળકોના રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય શંભૂજી, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના વિરોધી રસીકરણનાં રાષ્ટ્રીય અભિયાનમાં આજથી એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. 15 થી 18 વર્ષની ઉંમરનાં કિશોરોનું કોવિડ રસીકરણ આજથી શરૂ થઈ રહ્યું છે. જે માટે ગત પહેલી જાન્યુઆરીથી કો-વિન પ્લેટફોર્મ પર અને કો-વિનનાં આરોગ્ય સેતુ એપ્લીકેશન થકી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે. રસીકરણ માટે ઓનસાઈટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા ગોઠવવામા આવી છે. કિશોરોનાં રસીકરણ માટે હાલ માત્ર કોવેક્સીનને જ મંજૂરી મળી છે..આ વયમર્યાદાનાં 6 થી 7 કરોડ બાળકો કોવેક્સીનના ડોઝ લેવા પાત્ર રહેશે. તમામ રાજ્યોમાં કિશોરોના રસીકરણને લઈને તમામ રાજ્યોમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કર્ણાટકમાં આ વયમર્યાદાનાં 31 લાખ 75 હજાર લાભાર્થી છે. કર્ણાટકનાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ બેંગ્લુરુમાં આ અભિયાનની શરૂઆત કરશે. કર્ણાટકમાં સરકારનાં મંત્રી પ્રત્યેક જિલ્લામાં જ્યારે તમામ ધારાસભ્યો તાલુકાઓમાં અભિયાનની શરૂઆત કરશે. ત્યારે રસીકરણને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે.