નવી દિલ્હી,(પીટીઆઈ) તા.૨
મુસ્લિમ મહિલાઓના ફોટોગ્રાફ ચોરીને ગીટહબ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બુલ્લી બાઈ એપ પર અપલોડ કરવા અને ઈન્ટરનેટ પર તેની હરાજી કરનાર વિવાદાસ્પદ સુલ્લી ડીલ એપના મહિનાઓ પછી ‘બુલ્લી બાઈ’ નામની એપ પર પણ મુસ્લિમ મહિલાઓની હરાજીથી વિવાદ સર્જાયો છે. જોકે, વિવાદને પગલે હોસ્ટિંગ પ્લેટફોર્મ ગીટહબે આ એપને બ્લોક કરી દીધી છે અને સીઈઆરટી તથા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
‘બુલ્લી બાઈ’ એપ ગયા વર્ષે જુલાઈમાં વિવાદ સર્જનારી ‘સુલ્લી ડીલ્સ’ એપની જેમ જ ઈન્ટરનેટ પર મુસ્લિમ મહિલાઓના ફોટોગ્રાફ અપલોડ કરવાનું અને તેની હરાજી કરવાનું કામ કરતી હતી. આ એપ ઓપન કરવામાં આવતા એક મુસ્લિમ મહિલાનો ચહેરો બુલ્લી બાઈ તરીકે દર્શાવાતો હતો. પત્રકારો સહિત ટ્વીટર પર વ્યાપક હાજરી ધરાવતી મુસ્લિમ મહિલાઓને આ એપ મારફત નિશાન બનાવાતી હતી. બુલ્લી બાઈ એપ પાછળ ખાલીસ્તાની આંદોલનના જાતે બની બેઠેલા સમર્થકોનો હાથ હોવાનું જણાવાય છે. તેઓ ધરપકડ કરાયેલા ખાલિસ્તાની આતંકીઓને છોડી મૂકવાની માગ કરી રહ્યા છે.
ગયા વર્ષે ‘સુલ્લી ફોર સેલ’ એપ પર મુસ્લિમ મહિલાઓની તસવીરોનો દુરુપયોગ કરનારા આરોપીઓ હજુ સુધી પકડાયા નથી અને તેમની ઓળખ પણ થઈ શકી નથી ત્યારે આ નવી એપથી વિવાદ વકર્યો છે.
દિલ્હી પોલીસે એક મહિલા પત્રકારની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધાવીને તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસે પણ શિવસેનાના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસ અને સુલ્લી ડીલ્સ કેસની રાષ્ટ્રીય મહિલા પંચે પણ નોંધ લીધી છે. ટ્વીટર પર કેટલીક મહિલાઓના સ્ક્રીનશોટ્સ શૅર કરતાં દાવો કરાયો છે કે ‘બુલ્લી બાઈ’ નામની એપ પર તેમની હરાજી કરાય છે. એપનું નામ મુસ્લિમ મહિલાઓ માટે અભદ્ર શબ્દ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ એપ પર સેંકડો છોકરી, મહિલાઓની તસવીરો છે. નવા વર્ષે સામે આવેલા સ્ક્રીન શોટ્સના આધારે મહિલા પત્રકારે પોલીસમાં ફરિયાદ કરી છે.
‘સુલ્લી ડીલ્સ’ અને ‘બુલ્લી બાઈ’ બંને એપનો આશય મુસ્લિમ મહિલાઓને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવાનો છે. બંને એપના નામનો ઉપયોગ મુસ્લિમો માટે વપરાતા આપત્તિજનક શબ્દો છે. બંને પર મુસ્લિમ મહિલાઓની તસવીરો અને વિગતો અપલોડ કરાઈ હતી. મહિલાઓના ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક એકાઉન્ટ પરથી માહિતીઓ અને અંગત ફોટોગ્રાફ ચોરીને એપ પર મુકાઈ હતી. આ બંને એપ ઓપન સોર્સ પ્લેટફોર્મ ગીટહબ પર અપલોડ કરાઈ હતી, જે માઈક્રોસોફ્ટનું સોફ્ટવેર શૅરિંગ પ્લેટફોર્મ છે. ગીટહબ પર કોઈપણ ઈન-ડેવલપમેન્ટ એપ અપલોડ અને શૅર કરી શકે છે.