વૈષ્ણો દેવી યાત્રા પર મહત્વપૂર્ણ નિર્ણય: હવેથી ઓનલાઈન બુકીંગ પર જ થઈ શકશે માતાના દર્શન

શ્રી માતા વૈષ્ણોદેવી ભવન પાસે ભાગદોડમાં થયેલી દુર્ઘટના બાદ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં રવિવારે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજભવનમાં થયેલી વિશેષ બેઠકમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારને તાત્કાલિક બધા નિર્ણયના અમલ માટે સૂચના આપવામાં આવી હતી.

શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા માટે હવે ઓનલાઈન બુકીંગ અનિવાર્ય થઈ ગયું છે અને ઓફલાઈન પર્ચી સિસ્ટમને હવે બંધ કરી દેવામાં આવી છે. યાત્રિઓનું લોકેશન ટ્રેક કરવા માટે રેડિયો તરંગો પર આધારિત આરએફઆઈડી ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા સહીત ભીડ પ્રબંધનના અન્ય ઉપાયો કરવામાં આવશે.

બોર્ડે મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારને પ્રભાવી ભીડ પ્રબંધન, 100% ઓનલાઈન બુકીંગથી યાત્રા, યાત્રા માર્ગ ખાસ કરીને ભવન વિસ્તારમાં ભીડ ન થવા દેવી તથા ભવન પર પ્રવેશ અને શ્રદ્ધાળુઓના બહાર નીકળવા માટે અલગ-અલગ રસ્તાઓ સુનિશ્ચિત કરવા માટેના આદેશ આપ્યા છે. બોર્ડના અધ્યક્ષ ઉપરાજ્યપાલે જણાવ્યું હતું કે આરએફઆઈડી પાવર સિસ્ટમને તરત અસરકારક બનાવવી. તેમણે તકનિકી વિશેષજ્ઞોની સલાહ લેવા માટે પણ જણાવ્યું હતું.

વૈષ્ણો દેવી યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે યાત્રા માર્ગ અને ભવન ક્ષેત્રમાં માસ્ટર પ્લાનને ઝડપથી લાગુ કરવામાં આવશે. બાળકો અને વૃદ્ધો માટે રોપ વે બનાવવામાં આવશે જ્યારે ભીડ પ્રબંધન માટે સ્કાય વોક અને સસ્પેન્શન બ્રિજ તૈયાર કરવામાં આવશે.

શ્રાઈન બોર્ડની બેઠકમાં ચર્ચા દરમિયાન એલજીએ તમામ પાસાઓ પર શક્યતાઓ તપાસવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, દુર્ગા ભવનું નિર્માણ જલ્દી પૂરુ કરી દેવામાં આવશે. ભાગદોડની ઘટના બાદ બચાવ કામગીરી ઝડપથી હાથ ધરીને ઘણાં લોકોના જીવ બચાવવા બદલ બેઠકમાં પ્રશંસા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *