આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત મોટા આક્ષેપો કર્યા છે. તેમણે સરકારી ભરતીઓમાં કૌભાંડ આચરાયા હોવાના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગે કરેલી ભરતીઓમાં કૌભાંડ છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં અમે આ અંગેનો ખુલાસો કરી રહ્યા છીએ. UGVCL, MGVCL, PGVCL, DGVCL,GETCOની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે.ઊર્જા વિભાગની ભરતીના કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લાનું બાયડ છે. આ ભરતીમાં એક જ ગામના 18 વિદ્યાર્થીઓને નિમણૂક મળી છે. આ રીતે એક જ ગામના વિદ્યાર્થી પાસ થાય એ શક્ય નથી.
યુવરાજસિંહે જણાવ્યું કે, આ કૌભાંડ ઓનલાઈન આચરવામાં આવેલું અને 2021ની ભરતીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. એક પેપર માટે 21 લાખ જેટલા રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યુ છે. કૌભાંડ આચરનારાના તમામના પુરાવાઓ મારી પાસે છે. એક જ ગામના 18 વિદ્યાર્થીઓને આમાં નિમણૂંક મળી છે જે ક્યારેય પણ શક્ય જ નથી.
જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે. ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે. જેમાં NSCITના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે, મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા અમારી પાસે છે.
યુવરાજ સિંહના આરોપ પ્રમાણે બાયડ ચોઈલા ગામલોકો એમાં વધુ જોડાયેલા છે. પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
કૌભાંડીઓના નામ કર્યા જાહેર
સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં કૌભાંડ થતું હોવાનો આક્ષેપ છે. તો કૌભાંડ આચરનાર સીધી રીતે હાજર ન હોવાનું પણ નેતાએ જણાવ્યું છે. યુવરાજ સિંહનું કહેવું છે કે બાયડમાં ટ્યુશન ચલાવતો અવધેશ પટેલ કૌભાંડ ચલાવે છે. તો ધવલ પટેલ, કુશાંગ પટેલ, હિતેશ પટેલ, બાબુ પટેલ, જિગીશા પટેલે ભરતીનો લાભ લીધો હોવાનો આક્ષેપ છે. ત્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો આક્ષેપ છે. કૌભાંડમાં શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે. રાજકીય વગના કારણે આ બધા કૌભાંડ ચાલતા હોવાનો આક્ષેપ છે.