અમદાવાદની સાયન્સ સિટી ખાતે નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસીનો CM ભુપેન્દ્ર પટેલ ના હસ્તે શુભારંભ

અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ – ૨૦૨૨ ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ‘ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશન’ (ICAI) અંતર્ગત યોજાયેલા રાજ્યની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીના એક્ઝિબિશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશનમાં ગુજરાત યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સ્ટિક સાયન્સ યુનિવર્સિટી, IIT ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સેપ્ટ, જીટીયુ,  મારવાડી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, PRL તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત ૫૪ જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓનાં સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

 

ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તેમજ NCRT ઉપરાંત ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરો, આઇ-હબના પણ સ્ટોલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં વિવિધ સંસ્થાઓ તેમજ યુનિવર્સિટીઓ દ્વારા પ્રદર્શિત કરાયેલી શૈક્ષણિક કામગીરી-પ્રવૃત્તિઓ અને તેમના આગામી આયોજનો મુલાકાતી-વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યનાં શિક્ષણ મંત્રી જીતુ વાધાણી, મંત્રી ડૉ. કુબેર ડિંડોર, મંત્રી કિરિટ વાધેલા, મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના અગ્રસચિવ એસ.જે.હૈદર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગે વર્ષ ૨૦૧૭થી પાંચ વર્ષ માટે આ પોલિસી અમલમાં મૂકી હતી. આ પોલિસીનો સમયગાળો ૧૦ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પૂર્ણ થાય છે. જોકે, હવે આ નવી પોલિસી જાન્યુઆરી ૨૦૨૨થી માર્ચ ૨૦૨૭ સુધી અમલમાં મૂકવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *