સ્વેટર પહેરવું કે રેઇનકોટ…???
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાથી રાજ્યમાં આગામી ૪ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠામાં સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદી છાંટા શરુ થયા છે. ભર શિયાળે થયેલા માવઠાથી ખેડૂતોના શિયાળુ પાકને નુકશાન થવાના શક્યતા છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા છે.
આજે વહેલી સવારથી અમદાવાદ જિલ્લા અને શહેરી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવતાં રસ્તાઓ પાણી-પાણી થયા હતા. મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં સતત બીજા દિવસે ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાયું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સવારથી જ ઝરમર વરસાદ શરુ થયો હતો. ધુમ્મસ ભર્યા વાતાવરણથી વાહનચાલકોને પરેશાની થઈ હતી. આ સાથ સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઇડર, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડ્યો હતો.
કચ્છમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. અંજાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરુ થયો હતો. રાજ્યમાં આગામી 4 દિવસ માવઠાની કરવામાં આવી છે આગાહી છે જેને લઈને હજી પણ વરસાદ પડવાની સંભાવના છે. સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.