કોરોનાની દહેશત વચ્ચે રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ગાંધીનગરમાં આગામી તારીખ 10મી જાન્યુઆરીથી દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો. જે સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ જે રીતે દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે તેને જોતા વાયબ્રન્ટ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.
આગામી 10થી 12 જાન્યુઆરીના રોજ ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2022ના દેશ- વિદેશથી આવતા મહેમાનોને આવકારવા અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મહાત્મા મંદિરનું નિરીક્ષણ પણ કરવા જવાના હતા. પરંતુ આજે સવારે જ સીએમ પટેલે કેન્દ્ર સાથે મળીને આ મોટો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં આયોજીત સમિટના મહેમાનોની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઓમિક્રોન વેરિઅન્ટને લઇ સરકારની ગાઈડલાઈન મુજબ મુસાફરો માટે છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ કોવિડ નેગેટીવ ટેસ્ટનો રિપોર્ટ ફરજીયાત કરાયો છે. હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવતા મુસાફરોને અલગ રાખવાની વ્યવસ્થા કરાઇ છે. ચાર્ટડ વિમાનોના પાર્કિંગ માટે પુરતા પાર્કિંગ બેઝની વ્યવસ્થા કરવામાં આવી હતી.