ઓમિક્રોન વાઇરસથી ડરવાની પણ જરૂર નથી અને જરા પણ અતિ આત્મ વિશ્વાસમાં પણ રહેવાની જરૂર નથી, જે સમગ્ર દુનિયાને ભરડામાં લઇ રહ્યો છે. તેની સામેની લડતમાં જે દેશમાં જે રસી પ્રાપ્ય હોય તેના બંને ડોઝ અને બુસ્ટર ડોઝ લેવા અત્યંત જરૂરી છે અને જાહેર સ્થળોએ સતત સર્જીકલ માસ્ક અથવા તેનાથી વધુ અસરકારક N-95 માસ્ક પહેરવા અનિવાર્ય જ છે” તેવું જીએસટીવી પર ઓમીક્રોન વાઇરસ પરના વિશેષ કાર્યક્રમમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ચેરમેન અને અગ્રણી કાર્ડીયોલોજીસ્ટ ડો. કેયુર પરીખે જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યની પ્રજાને જાગૃત કરતાં ડો. કેયુર પરીખે વિસ્તૃત રીતે કહ્યું ક ”કોઇપણ પેનડેમિક વખતે જે તે દેશની પ્રજા પરંપરાગત ઉપાયો કરીને આત્મસંતોષ લેતી હોય છે જેમાં અહીં નાસ લેવો, ગરમ પાણીના કોગળા કરવા કે ઉકાળા પીવા વગેરે છે, પરંતુ એક વાત સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે આ બધું કદાચ ઇમ્યુનિટી વધારે એવું માની લઇએ તો ય, વાઇરસ સામે તો માત્ર અને માત્ર રસી અને માસ્ક જ રક્ષણ આપશે.
બીજા વેરીઅન્ટ કરતા આ વાઇરસ વધુ ઝડપથી ફેલાય છે અને યુએસએ અને યુકેમાં લાખો કેસો આવ્યાં છે એ આપણે જોઇ રહ્યા છીએ. આપણે અહીં ડેલ્ટા એ બ્રેક લીધો અને નવો ઓમીક્રોન આવ્યો એ વચ્ચેના ચાર મહિનામાં બહુ ઓવર કોન્ફીડેન્ટ થઇને મેળાવડાઓમાં સેંકડોની સંખ્યામાં મહાલવા માંડયા છીએ. જે બહુ જોખમી સાબિત થશે.
લગ્નો કે બીજા સમારંભો લોકશાહી દેશમાં આપણે બંધ રાખવા ફરજ ના પાડી શકીએ, પરંતુ આપણી સલામતી માટે આપણે એમાં જવું કે નહીં એ તો જાતે નિર્ણય લઇ શકીએ ને? અમેરિકાની લોકશાહીમાં પ્રજાએ કોરોનાની ગાઇડલાઇન્સને ઘોળીને પી જઇને શું દશા કરી એ આપણે જોઇ રહ્યા છીએ. જ્યારે ચીને હમણાં એક કરોડના શહેરમાં ખાલી 15 કેસ આવતા લોખંડી શિસ્ત લાદીને વાઇરસને દબાવી દીધો. આપણે માત્ર અને માત્ર સ્વયંશિસ્તથી જ કન્ટ્રોલ કરી શકીએ.
છના બદલે 12 ફુટ સોશિયલ ડીસ્ટન્સીંગ રાખી શકીએ. એક ડોકટર તરીકે મારી વાત કરૂં, તો સતત દોઢ વર્ષ સુધી હોસ્પિટલના ચેરમેન તરીકે કોવિડના ઇન્ફેકશીયસ વાતાવરણમાં એક્સપોઝ થવા છતાંય મને ઇન્ફેકશન નથી થયું તેમાં નસીબ ઉપરાંત સતત માસ્ક અને પબ્લીક વચ્ચે પાણી ચા કે ભોજન માટે ન જ જવું એ ડીસીપ્લીન જવાબદાર છે અને સૌને મારી સલાહ છે કે પબ્લીક સમારંભમાં જાઓ તોય માસ્ક ન ઉતારો અને કોઈપણ ખાદ્યચીજ ગળા નીચે ન ઉતારો, સેનેટાઇઝર માત્ર સરેફેસ પર પ્રોટેક્ટ કરે છે, વાઇરસને ગળામાં જતો અટકાવી શકતું નથી જ, એ સમજી લો.
અમે આખી દુનિયાના ડૉક્ટરો પોણા બે વર્ષથી જીવના જોખમે જે કાર્ય કરી રહ્યા છીએ, એનો આદર આપવા સમગ્ર પ્રજા જાહેર મેળાવડાઓની દૂર રહી સ્વયંશિસ્ત પાળે એ જ પ્રાર્થના છે.
આ વિશેષ કાર્યક્રમમાં સીમ્સ હોસ્પિટલના ઇન્ફેકશીયસ ડીઝીઝ કન્સલ્ટન્ટ અને એચઓડી ડૉ. સુરભી મદાને વિવિધ પ્રશ્નોના જવાબમાં સમજાવતાં કહ્યું, ”રસીના બંને ડોઝ લઈ લીધા હોય તોય, ઓમિક્રોન નહીં જ થાય એવું ના માનશો, કારણ કે રસીની સમય અવધિની પણ મર્યાદા હોય છે.
બુસ્ટર ડોઝ લેવો જ પડશે અને ગરમ લ્હાય જેવા ઉકાળા પી પી ને પછી પેટમાં અલ્સરની ફરિયાદો સાથે હોસ્પિટલમાં આવવાની નોબત ના લાવતા. અત્યારે સાઉથ આફ્રિકામાંથી આવેલો ઓમિક્રોન જે ઝડપે વધી રહ્યો છે એનું ભારતમાં પ્રોજેકશન ખતરનાક છે અને લાખો કેસો એક મહિનામાં હશે.
ભલે આ વાઇરસ એટલો ઘાતક નથી પણ ડેલ્ટા જેટલા હોસ્પિટલાઇઝેશન કેસીસ નથી પરંતુ એવું જરાય ન માનતા કે આ નબળો વાઇરસ છે. ઘણાં એવા કે જેમને અગાઉ કોરોના થઈ ચૂક્યો હતો એમને એવો ભ્રમ છે કે રેમેડીસીવીયર કે એવા બીજા કોઈ ઇન્જેક્શનના છ ડોઝ અને રસીના બે ડોઝ લઈ લીધા છે એટલે હવે આપણે કોરોના પર વિજય મેળવી ચૂક્યા છીએ.
રેમેડેસીવીયર એ માત્ર એ વખતના વાઇરસ સામે લડવાનું કામ કરે છે અને પછી એનું કામ અને ક્ષમતા પૂરા થઈ જાય છે. એ પછી આખું શરીર નવા દુશ્મન સામે નવેસરથી લડવા તૈયાર કરવાનું હોય છે. એન્ટી બોડીઝ બની ગયા હોય એ બહુ સારી વાત છે પરંતુ નવા વેરીયન્ટ સામે લડવા માત્ર અને માત્ર સાવધાની જ જરૂરી છે.
આ સંદર્ભમાં કોરોના થયો હોય કે ના થયો હોય વાઇરસને ખતમ કરવાની દવા લીધી હોય કે ના લીધી હોય બંનેના રીસ્ક ફેક્ટર સરખા જ સમજજો. આ વાઇરસ કેમ સ્વરૂપો બદલી રહ્યો છે એનો જવાબ એ જ છે કે એમાં આર્ટીફીસીયલ નહીં પણ લીવીંગ ઇન્ટેલીજન્સ છે જે સર્વાઇવલ ઇન્સ્ટીંક્ટ કહેવાય એની જે ભૂતકાળમાં અનેક વાઇરસે મેળવી હતી પરંતુ માનવજાતના સદ્ભાગ્યે થોડા સમય પછી પેન્ડેમીક પૂરા થયા હતા.
કાર્યક્રમમાં વિશેષ માહિતી આપતા સીમ્સ હોસ્પિટલના કો-ડીરેક્ટર પલ્મોનરી વિભાગ, ડો. નીતેશ શાહે કહ્યું કે, ‘ડેલ્ટા વાઇરસ નાકમાંથી ગળામાં થઈને સીધી ફેફસાને અસર કરતો હતો અને શ્વાસની તકલીફ સર્જીને ફેટલીટી વધારતો હતો તેના કરતા અત્યાર સુધીના અભ્યાસમાં ઓમીક્રોન ઘણો ઓછો નુકસાનકારક સાબિત થયો છે.
અને થોડા કેસીઝના સ્ટડીમાં ગળા સુધી અટકતો હોવાનું તારણ મળ્યું છે. પરંતુ આ બધા પ્રાથમિક તારણો છે તેનું અસલ સ્વરૂપ તો થોડો સમય પછી ખબર પડે જ્યારે તે દવાઓ સામે ઇમ્યુન બનવાનો પ્રયાસ કરે, અત્યારે તો માત્ર અને માત્ર પ્રિકોશન જ બેસ્ટ ક્યોર છે. આવનાર બે મહિના બહુ જ ક્રીટીકલ છે.
પૂરી દુનિયા માટે અને 2022ના આખા વર્ષ માટે નાગરિકોએ અનિવાર્ય સિવાયના નાના જોખમો પણ ટાળવા જોઈએ. વાઇરસ સામે કોઈપણ રીતે એક્સપોઝ થવાના એક પલ્મેનોલોજીસ્ટ તરીકે ડેલ્ટાના જે કેસ મળ્યા છે અને ટ્રીટ કર્યા છે એ પડકાર કેવો હતો એ અમે જાણીએ છીએ ફેફસાની કેપેસીટી ઘટે એટલે શું થાય.
100 વર્ષ પહેલાના પેન્ડેમિકને પૂરો થતાં ચારથી પાંચ વેવ અને લગભગ ત્રણથી ચાર વર્ષ થયા હતા પરંતુ આ વખતે વેક્સિનની ઝડપને લીધે એટલો સમય આ વાઇરસને ખતમ કરતા નહીં લાગે એવી આશા રાખી શકાય. જો કે, ત્રીજો વેવ શરૂ થઈ ગયો છે અને ચોથો વેવ પણ આવે તો 2022ના અંત સાથે આ વાઇરસનો અંત થશે એવું કહી શકાય.”