વીડિયો કોન્ફરન્સ દ્વારા કોલકાતામાં ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (CNCI)ના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે આ સિદ્ધિ ભારતના ૧૩૦ કરોડ લોકોની ક્ષમતાનું પ્રતીક છે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. ૫૩૦ કરોડના ખર્ચે આ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમાં કેન્દ્ર સરકારે લગભગ ૪૦૦ કરોડ રૂપિયા આપ્યા છે જ્યારે બાકીની રકમ પશ્ચિમ બંગાળ સરકારે ખર્ચી છે.
CNCI પર કેન્સરના દર્દીઓનો ભારે બોજ હતો અને છેલ્લા કેટલાક સમયથી તેના વિસ્તરણની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. CNCIના નવા કેમ્પસના નિર્માણથી તેના પરનો બોજ ઓછો થશે. નવા કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૪૬૦ બેડનું કોમ્પ્રીહેન્સિવ કેન્સર યુનિટ હશે. કેમ્પસ કેન્સર સંશોધન માટે અત્યાધુનિક કેન્દ્ર તરીકે પણ સેવા આપશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હોસ્પિટલના નવા કેમ્પસના ઉદ્ઘાટન સાથે, “અમે દેશના દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પ્રદાન કરવાના અમારા સંકલ્પને આગળ વધારવા તરફ વધુ એક પગલું ભર્યું છે”. આનાથી ખાસ કરીને ગરીબ, મધ્યમ વર્ગના પરિવારો માટે ઘણી રાહત થશે જેઓ તેમના કેન્સર સામે લડી રહ્યાં છે
વડાપ્રધાન મોદીએ કહ્યું, “દેશમાં ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકોને રસીકરણ સાથે વર્ષની શરૂઆત કરવામાં આવી હતી, જ્યારે આજે વર્ષના પ્રથમ મહિનાના પ્રથમ સપ્તાહમાં, ભારતે ૧૫૦ કરોડ રસીના ડોઝનો ઐતિહાસિક આંકડો પાર કરી લીધો છે. ” વડા પ્રધાને કહ્યું કે રસીના ૧૫૦ કરોડ ડોઝનું લક્ષ્ય હાંસલ કરવું અને તેને એક વર્ષથી ઓછા સમયમાં પહોંચાડવું એ એક મોટી સિદ્ધિ છે.
“સંખ્યાની દ્રષ્ટિએ તે ખૂબ મોટી સંખ્યા છે. વિશ્વના મોટા ભાગના મોટા દેશો માટે આ કોઈ આશ્ચર્યથી ઓછું નથી. પરંતુ ભારત માટે તે ૧૩૦ કરોડ દેશવાસીઓની શક્તિનું પ્રતિક છે. તે નવા ભારતની ભાવનાને જાળવી રાખે છે તે નવી ઈચ્છાનું પ્રતિક છે, જે અશક્યને શક્ય કરવા જઈ રહી છે.”
પીએમ મોદીએ કહ્યું કે કોરોના સામેની લડાઈમાં રસીકરણ કાર્યક્રમ એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો ખતરનાક વેશમાં કોરોના વાયરસ છે. તેમણે કહ્યું, “આજે ફરી એકવાર વિશ્વ કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોમનો સામનો કરી રહ્યું છે. આપણા દેશમાં પણ આ નવા વેરીયન્ટ ને કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. એટલા માટે રસીના ૧૫૦ કરોડ ડોઝનું રક્ષણાત્મક કવચ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.”
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતની ૯૦ ટકાથી વધુ પુખ્ત વસ્તીએ રસીનો એક જ ડોઝ મેળવ્યો છે અને માત્ર પાંચ દિવસમાં ૧.૫ કરોડથી વધુ બાળકોને પણ રસી આપવામાં આવી છે. તેમણે કહ્યું, “આ સિદ્ધિ આખા દેશની છે, દરેક સરકારની છે. આ સિદ્ધિ માટે હું ખાસ કરીને દેશના વૈજ્ઞાનિકો, રસી નિર્માતાઓ અને આરોગ્ય કર્મચારીઓનો આભાર માનું છું.