કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક-હિંસક પોસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મહિલાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરતા સોશિયલ મીડિયા યુઝર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ૭૩ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવાયા છે.
સોશિયલ મીડિયામાં વાંધાજનક, ઉશ્કેરણીજનક અને હિંસક પોસ્ટ કરનારા યુઝર્સ સામે સરકારે કડક કાર્યવાહી શરૃ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે હિંસક અને વાંધાજનક પોસ્ટ કરનારા ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત મહિલાઓના સંદર્ભમાં અભદ્ર ટીપ્પણી કરનારા યુઝર્સના એકાઉન્ટ્સ પણ ડિલિટ કરી દેવાયા છે.
એટલું જ નહીં, આવા યુઝર્સની ઓળખ કરીને તેની સામે કાયદાકીય કાર્યવાહી પગલાં પણ ભરવામાં આવશે. રાજ્યકક્ષાના આઈટી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે નફરત ફેલાવે તેવી પોસ્ટ સામે કાર્યવાહી થઈ છે. તેના ભાગરૃપે ૭૩ ટ્વિટર એકાઉન્ટ્સ બ્લોક કરાયા છે. તે સિવાય ચાર યુટયૂબ વીડિયો હટાવી દેવાયા છે અને એક ઈન્સ્ટાગ્રામ ગેમને ડિલિટ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આઈટી મંત્રાલય સુરક્ષિત અને વિશ્વસનીય સામગ્રી જ ઈન્ટરનેટ પર રહે તે માટે કાર્યરત છે. તે સિવાયની ફેક સામગ્રી કે વાંધાજનક પોસ્ટ હટાવી દેવાની દિશામાં નક્કર પગલાં ભરાશે. ટ્વિટર, યુટયૂબ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેમાં ફેક સામગ્રી પોસ્ટ થતી અટકાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.