રાજ્યમાં કોરોનાના કેસોમાં વિસ્ફોટ થઇ ગયા પછી આરોગ્ય તંત્રની આંખ ઉઘડી છે. અને હવે આરોગ્ય તંત્ર નેતાઓએ કરેલી ભૂલો નો દોષ નો ટોપલો જનતા પર ઠાલવવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે સમગ્ર રાજ્ય માં ઠેર ઠેર રાજકીય મેવાડા કરી અને રેલીઓ કાઢીને નેતાઓ દ્વારા જ કોરોનાની ગાઈડલાઈન નું ઉલંઘન કરવામાં આવી રહ્યું હતું.
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને અટકાવવા ફ્રન્ટલાઈન વર્કર, હેલ્થ વર્કર અને ૬૦ વર્ષથી વધુની ઉંમરના કોમોર્બિડને પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સોલા સિવિલની મુલાકાત લઈને પ્રિકોશનરી ડોઝ આપવાના આ મહાઅભિયાનની સમીક્ષા કરી હતી.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઈ છે. તમામને રસી મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકાર પાસે રસીનો પૂરતો જથ્થો છે. એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
આરોગ્ય મંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ SOPનું પાલન કરવુ જોઈએ. લગ્ન અને જાહેર મેળાવડાઓમાં જવાનું લોકોએ ટાળવુ જોઈએ. સાથે જ ચેતવણી આપતા કહ્યું કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તો સરકારે કડક નિયંત્રણો લગાવવા પડી શકે છે. સરકારે કડક નિયંત્રણો લાદવા ન પડે તેની જવાબદારી લોકો પર છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૬ લાખ ૨૪ હજાર હેલ્થ વર્કર, ૩ લાખ ૧૯ હજાર ફ્રન્ટ લાઈન વર્કર મળી કુલ ૬ લાખ ૪૦ હજાર લોકોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆત થઇ ગઈ છે તો સાથે જ ૬૦ વર્ષથી વધુ ઊંમર ધરાવતા ૩૭ હજાર લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે.
આરોગ્યમંત્રીનું આ પહેલાનું બેજવાબદાર નિવેદન…
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બેજવાબદાર નિવેદન આપ્યું છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે વાઈબ્રન્ટ સમિટ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુસ્સે થઈ સવાલનો જવાબ આપવાને બદલે કહ્યું કે, ગુજરાતમાં સ્થિતિ કાબૂમાં છે, અને આ સ્થિતિમાં જ ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ થયા જ છે. અને આ જ પરિસ્થિતિમાં જાનૈયાઓ રોડ પર વરઘોડા પણ કાઢતાં હતાં. તેમના આવા નિવેદન થી એવું લાગી રહ્યું છે કે કોરોના કેસો વધવાનું કારણ આ બધું જ છે. ઋષિકેશ પટેલે ત્યાં સુધી કહી દીધું કે, આપણે આવી માનસિકતામાંથી બહાર આવવવાની જરૂર છે.