RBI નાં ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ બેઇજિંગ સ્થિત AIIB નાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ સંભાળશે

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને બેઇજિંગ સ્થિત બહુપક્ષીય વિકાસ બેંક એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1લી ફેબ્રુઆરીએ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચાર્જ સંભાળશે. તેઓ આઉટગોઇંગ વાઈસ પ્રેસિડેન્ટ ડી. જે. પાંડિયનનું સ્થાન લેશે, જેઓ દક્ષિણ એશિયા, પેસિફિક ટાપુઓ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં AIIBના સાર્વભૌમ અને બિન-સાર્વભૌમ ધિરાણનો હવાલો સંભાળે છે.

58 વર્ષીય ઊર્જિત પટેલે બેઇજિંગમાં જણાવ્યું કે તેઓ 1લી ફેબ્રુઆરીએ જોડાશે. તેઓ AIIBના પાંચ ઉપપ્રમુખોમાંથી એક હશે. પાંડિયન, ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય સચિવ, 2016 થી AIIB ના વાઇસ પ્રેસિડેન્ટ છે, પાંડિયન બેંકના પ્રથમ મુખ્ય રોકાણ અધિકારી પણ હતા. ઉર્જિત પટેલ હાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના ચેરમેન છે. તેઓએ સપ્ટેમ્બર 2016 માં રઘુરામ રાજન પછી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના 24 માં ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને ડિસેમ્બર 2018 સુધી RBI સાથે જોડાયેલા હતા. પ્રતિષ્ઠિત AIIBનું નેતૃત્વ હાલમાં ચીનનાં જિન લિકુન કરી રહ્યા છે, જે ચીનનાં ભૂતપૂર્વ નાણામંત્રી છે.

આઉટગોઇંગ વાઈસ પ્રેસિડેન્ટ પાંડિયને જણાવ્યું હતું કે, 29 પ્રોજેક્ટ્સ માટે $6.8 બિલિયનનું ભંડોળ મેળવીને ભારત AIIBના સૌથી મોટા લાભાર્થી તરીકે ઉભરી આવ્યું છે. AIIB એ ભારતમાં તમામ ક્ષેત્રોમાં ખાસ કરીને પરિવહન અને ઉર્જા ક્ષેત્રોમાં પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડ્યું છે. ડિસેમ્બરમાં, AIIB એ $150 મિલિયન “ચેન્નાઈ સિટી પાર્ટનરશિપ: સસ્ટેનેબલ અર્બન સર્વિસ પ્રોગ્રામ” ને મંજૂરી આપી હતી જેનો ઉદ્દેશ્ય સંસ્થાઓને મજબૂત કરવાનો અને ચેન્નાઈમાં પસંદ કરેલી શહેરી સેવાઓની ગુણવત્તા અને નાણાકીય ટકાઉપણું સુધારવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *