કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 1,94,720 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણનો દર વધીને 11.05 ટકા થઈ ગયો છે. નવા વેરિઅન્ટની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 4868 થઈ ગયા છે. તેના મોટાભાગના કેસ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,94,720 નવા કેસ નોંધાયા છે, 60,405 લોકો સ્વસ્થ થયા છે અને 442 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
– કુલ કેસઃ 3,60,70,510
– એક્ટિવ કેસ: 9,55,319
– કુલ રિકવરીઃ 3,46,30,536
– કુલ મૃત્યુઃ 4,84,655
– કુલ રસીકરણ: 1,53,80,08,200
– ઓમિક્રોન કેસો: 4,868
ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે જેના કારણે માત્ર 7 દિવસમાં જ કોરોના પોઝિટિવિટી રેટ 2.40 ટકાથી ચાર ગણો વધીને 8.31 ટકાએ પહોંચી ગયો છે. જાન્યુઆરીની શરૂઆતથી જ સંક્રમણમાં ભારે વધારો જોવા મળ્યો છે. સરકાર દ્વારા ટેસ્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરાયો નહીં હોવા છતાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં 4 જાન્યુઆરીએ 72,918 ટેસ્ટ થયા હતા જેની સામે 2265 પોઝિટિવ કેસ આવ્યા હતા અને એ દિવસે પોઝિટિવ રેટ 2.40 ટકા નોંધાયો હતો. આ ટેસ્ટમાં ઘટાડો કરીને 8મી જાન્યુઆરીએ 67,964 ટેસ્ટ કરાયા હતા જેની સામે 5677 કેસ નોંધાયા હતા અનેપોઝિટિવ રેટ 8.35 ટકા થઇ ગયો હતો.
9મી જાન્યુઆરીએ ટેસ્ટ વધારીને 91167 કરાયા હતા જેની સામે 6275 કેસ મળતા પોઝિટિવ રેટમાં ઘટાડો થઇને 6.88 ટકા થયો હતો પરંતુ 9મીની સરખામણીએ 10મી જાન્યુઆરીએ 17,789 ટેસ્ટ ઓછા કરાયા હતા. 10મીએ કુલ 73378 ટેસ્ટ કરાયા હતા જેની સામે 6097 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ રેટ માં પોણા બે ટકા જેટલો વધારો થયો હતો. 4થી 10 જાન્યુઆરી સુધીમાં ટેસ્ટમાં નોંધપાત્ર વધારો નહીં થવા છતાં એક્ટીવ કેસ 7881થી વધીને 32,469 સુધી પહોંચી ગયા છે. આ સાત દિવસમાં મહત્તમ 91,167 ટેસ્ટ અને ઓછામાં ઓછા 67964 ટેસ્ટ થયા હતા.
દેશમાં મૃત્યુઆંક 400ને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 400 થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે 442 લોકોના મોત થયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,55,319 થઈ ગઈ છે. ટેસ્ટિંગ વિશે વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, મંગળવારે ભારતમાં કોરોના વાયરસ માટે 17,61,900 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 69,52,74,380 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તેથી રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, 10 જાન્યુઆરીથી શરૂ થયેલા પ્રિકોશન ડોઝ વેક્સિનેશન કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકોએ રસીનો ત્રીજો ડોઝ લીધો છે. પ્રથમ દિવસે, લગભગ 10 લાખ લોકોને પ્રિસ્ક્રિપ્શન ડોઝ આપવામાં આવ્યા હતા.