દેશમાં અવાર નવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થતા હોય છે. આપને જણાવી દઈએ કે આ પહેલા ગત ડીસેમ્બરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું હતું. ત્યાર બાદ હવે માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે. મીડિયાના અહેવાલ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર એકાઉન્ટ પરથી ‘ગ્રેટ જોબ’ની ટ્વિટ સતત થઈ રહી હતી. મળેલ માહિતી અનુસાર એકાઉન્ટનું નામ જાતેજ બદલાઈ ગયું અને પ્લેટફોર્મ પર નવું નામ ‘એલન મસ્ક’ થઇ ગયુ હતુ.
મળતી માહિતી અનુસાર, હેકર્સે બિટકોઈનની એક લિંક શેર કરી હતી, જેમાં ટેસ્લાના CEO એલોન મસ્કનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. હેકર્સે બિટકોઇનની લિંકની સાથે કેપ્શનમાં ‘સમથિંગ અમેઝિંગ’ લખ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, થોડા સમયમાં જ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, એકાઉન્ટ ફરીથી ફિક્સ કરી દેવામાં આવ્યું છે. હેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી લિંકના જવાબમાં ગ્રેટ જોબ પણ લખવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ ફરીથી રિસ્ટોર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર પર ૧.૪ મિલિયન ફોલોઅર્સ છે.