પ્રધાનમંત્રી આજે પુડુચેરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા મહોત્સવની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોના મનને આકાર આપવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં પરિવર્તિત કરવાનો છે, અને તે સામાજિક એકતા તેમજ સાંસ્કૃતિક એકીકરણની સૌથી મોટી કવાયત છે. તેનો ઉદ્દેશ્ય વિવિધ સંસ્કૃતિઓને સાથે લાવવા અને તેમને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંયુક્ત દોરમાં એકીકૃત કરવાનો છે.
રાષ્ટ્રીય યુવા દિવસ 2022ની ઉજવણીનું કારણ અને ઇતિહાસ :
સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી.
વાસ્તવમાં સ્વામી વિવેકાનંદને ‘ભારતના રાષ્ટ્રીય સંત’ કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં પણ સ્વામી વિવેકાનંદના વિચારો વાંચે છે. જે તેમને તેમના પગલે ચાલવા માટે પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોની ઉર્જા ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ઈચ્છતા હતા કે યુવાનો તેની ઉર્જા ઓળખે અને પોતાનો અભિપ્રાય આપે. આ જ કારણ છે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત :
સ્વામી વિવેકાનંદના સુવિચાર યુવાધન માટે હંમેશાથી પ્રેરણાત્મક રહ્યા છે તથા દરેક યુવાને અનુલક્ષીને કરવામાં આવેલી તેમની વાતો હંમેશા નવું કાર્ય કરવા માટે યુવાનોમાં નવી ઊર્જા અને શક્તિ પૂરી પાડે છે. સ્વામી વિવેકાનંદ અદ્ભૂત સ્મરણશક્તિ ધરાવતા હતા અને તેઓએ ભારતીય અને પશ્ચિમ દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો તથા રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગી હતા.
– ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
– દેશને બળવાન પ્રાણવાન અને શ્રદ્ધાવાન યુવાનોની જરૂર છે.
– ચિંતન કરો ચિંતા નહિ હમેંશા નવું વિચારો અને નવું કરો.
– જીવન ને સાર્થક કરવું હોય તો સમયને સાચવો, સમયની કિંમત કરો અને આળસને દૂર કરો.
– જેવુ તમે વિચારશો તેવા તમે બની જશો, પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો અને સબળ માનશો તો સબળ બનશો.
– જ્યારે આપણે કામ કરવા બેસીએ ત્યારે બીજું બધું ભૂલી જઈને એકાગ્ર થઈને કાર્ય કરવું જોઈએ.
– હ્રદય અને મગજના ટકરાવમાં હંમેશા હ્રદયનું સાંભળજો.
સ્વામી વિવેકાનંદના સુવિચાર એ યુવાધનને જુસ્સો પૂરો પાડે છે અને તેમણે માત્ર ભારતના ઉત્થાન માટે કામ કર્યું નથી પરંતુ લોકોને જીવન જીવવાની કળા પણ સમજાવી હતી. તેમના જીવનના ચાર સુત્રો હતા, લક્ષ્ય, નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠન. ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્તી સુધી મંડ્યા રહો તેમનું સૂત્ર લોકોને આજે પણ ધ્યેય પ્રાપ્તી કરવામાં યુવાનો ને પ્રેરણા આપવામાં મદદરૂપ થાય છે.સ્વામી વિવેકાનંદ ના સુવિચારમાં ઘણી વાતો કરી છે જેને અનુસરવાથી તમારૂ જીવન બદલાઇ શકે છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદના સુવિચારને અનુસરવાથી માણસ ક્યારેય ડિપ્રેશનમાં નથી આવતો દરેક પરિસ્થિતિમાં કેવી રીતે ચાલવું તે સ્વામી વિવેકાનંદના સુવિચાર દ્વારા ખૂબ સારી રીતે સમજી શકાય છે.
આ વર્ષની યુવા દિવસની થીમ
દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ પર ભારત સરકાર દ્વારા નવી થીમ બહાર પાડવામાં આવે છે. દેશમાં સંબંધિત અને સમકાલીન પરિસ્થિતિ અનુસાર થીમ પસંદ કરવામાં આવી છે. યુવા દિવસ તેમાં થીમ ઉમેરીને રંગીન અને અર્થપૂર્ણ બને છે. આ વર્ષની થીમ ‘ઈટ્સ ઓલ ઇન ધ મન’ છે. રાષ્ટ્રીય યુવા દિવસ પર થીમ દ્વારા દેશના યુવાનોને એક કરવામાં મદદ કરે છે. થીમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના તમામ યુવાનોને સાથે લાવવા અને સ્વામી વિવેકાનંદના વિચારનો પ્રચાર કરવાનો છે.