રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટમાં બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી.તે ઉપરાંત તેમના દ્વારા કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. જેમાં રાઘવજી પટેલે કહ્યું હતું કે, સરકાર દ્વારા અગાઉ ખેડૂતોને રૂ.૧૫૦૦૦ સુધીના મોબાઈલની ખરીદી પર ૧૦ % સહાય આપવામાં આવતી હતી. જેમાં વધારો કરી ખેડૂતોને હવે રૂ.૧૫૦૦૦ સુધીના મોબાઈલની ખરીદી પર ૪૦ % એટલે કે ઓછામાં ઓછી રૂ.૬,૦૦૦ જેટલી સહાય મળશે. ઉપરાંત રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને આ સહાય સરળતાથી મળે તે માટે સામાન્ય ડોક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના પણ અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર માત્ર ૧૦% ની સહાય મળતી હતી. સ્માર્ટ ફોનની ખરીદી પર ખેડૂતોને જે સહાય આપવામાં આવે છે, તેના કરતા વધુ ડિસ્કાઉન્ટ તો મોબાઈલ ફોન વિક્રેતા આપે છે. ખેડૂતને આ સહાય મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કર્યાની પ્રિન્ટ, મંજૂરી હુકમ, ૭/૧૨/૮ નો દાખલો, સ્માર્ટ મોબાઈલનું GST વાળું બિલ જેવા થોકડોબંધ દસ્તાવેજો આપ્યા બાદ ૨ મહિને સહાયની રકમ ખેડૂતોના બેંકના ખાતામાં જમા થાય છે.
રાઘવજી પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે પણ પશુપાલકો અને ખેડૂતો માટે અનેકવિધ કલ્યાણકારી યોજના અમલી બનાવી છે. રાજકોટ જિલ્લાની ડેરીના નવીનીકરણ માટે રૂ. ૧૩.૫૦ કરોડથી પણ વધુ રકમ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાઈ છે. જેનો રૂ. ૩.૫૦ કરોડનો પ્રથમ હપ્તો આજે રાજ્ય સરકારે ડેરીને અર્પણ કર્યો છે. પશુઓની ઘરે બેઠા સારવાર માટે હરતાં ફરતા મોબાઈલ દવાખાના ઉભા કરાયા છે.