મકરસંક્રાતિ પર્વની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. વારાણસી, પ્રયાગરાજ, ગંગાસાગર સહિત દેશના અનેક તીર્થ ક્ષેત્રોમાં શ્રધ્ધાળુઓ ગંગામાં આસ્થાની ડૂબકીઓ લગાવી રહ્યા છે. જયારે આસામમાં બિહુ પર્વ તેમજ દક્ષિણ ભારતમાં પોંગલ મનાવવામાં આવી રહ્યો છે.
ગુજરાત અને રાજસ્થાનમાં પતંગબાજીનો માહોલ જામી રહ્યો છે. મકરસંક્રાતિ ના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં આજે એટલે કે 14 જાન્યુઆરીએ સંક્રાંતિ ઊજવવામાં આવે છે. સૂર્યના રાશિ બદલવાના સમયથી જ સંક્રાંતિ ઊજવવાનો નિર્ણય લેવામાં આવે છે. સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે. મકરસંક્રાંતિ એક ઋતુ પર્વ છે, જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે. એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે. જેથી ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્યપૂજા, ખીચડી અને તલ-ગોળનું સેવન કરવાની પરંપરા છે. આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે. તેથી જ ગુજરાતમાં ઉત્તરાયણ પર્વમાં તલ અને ગોળથી બનતી ચીક્કી, તલના લાડુ વગેરે બનાવવામાં આવે છે.
આ વર્ષે કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણને કારણે ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા, ધાબા પર ભીડ ભેગી નહીં કરવા તેમજ ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર સરકારે પ્રતિબંધ મૂકવાના આદેશ કર્યા છે. જોકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોવાની સરકારની આ વાત વાજબી હોવાનું લોકોનું પણ કહેવું છે.