પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે વિડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સ્ટાર્ટ-અપ સાહસિકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં સ્ટાર્ટ-અપની સંખ્યા વધીને 60,000 સુધી પહોંચી ગઇ છે. તેમણે ઉમેર્યુ હતું કે, ૧૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ તરીકે ઉજવાશે. આજે દેશમાં આઇ-ક્રિએટ સંસ્થાન અનેક સ્ટાર્ટ-અપને મજબૂત શરૂઆત આપી રહ્યુ છે. ગતવર્ષે 28,000 થી વધુ પેટર્ન ગ્રાન્ટ કરવામાં આવ્યા હતા. તેમજ અઢી લાખથી વધુ ટ્રેડમાર્ક રજીસ્ટર કરવામાં આવ્યા હતા.
ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતની રેન્કિંગમાં આવેલ સુધારા અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ ઇન્ડેક્સમાં ભારત 46માં સ્થાને રહ્યું છે. સરકારની પ્રાથમિકતા વધુમાં વધુ યુવાઓને નવીનીકરણ માટે તક આપવાની છે. આવનાર સમયમાં ભારતમાં 100 કરોડ ઇન્ટરનેટ યુઝર થશે. આ સંવાદમાં કૃષિ, સ્વાસ્થ્ય, ઉદ્યમ પ્રણાલી, અંતરિક્ષ ઉદ્યોગ 4.0, સુરક્ષા ફિનટેક, પર્યાવરણ સહિત વિવિધ ક્ષેત્રોનાં સ્ટાર્ટઅપ સાહસિકોએ ભાગ લીધો હતો.