રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના વિવિધ યાત્રાધામો ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે પોષી પૂનમના રોજ પ્રસિદ્ધ અંબાજી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે દૂર સૂદૂરથી આવેલા દર્શનાર્થીઓ માટે પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરી છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કાઉન્ટર ઉભા કરીને પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર બંધ હોવાને કારણે શ્રદ્ધાળુઓએ શકિતદ્વાર પાસેથી જ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું. મંદિર બંધ હોવાને કારણે વેપારીઓએ વેપાર-ધંધા પણ બંધ રાખ્યા હતા.
દ્વારકા જગત મંદિર વધતા જતા કોરોના સંક્રમણને પગલે સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મંદિર કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજથી સાત દિવસ સુધી દ્વારકાધીશ જગતમંદિર ભક્તો માટે રહેશે બંધ. જોકે પૂજારીઓ દ્વારા મંદિરમાં પારંપરિક સેવા પૂજા અને નિત્યક્રમ કરવામાં આવશે. ભક્તો dwarkadhish.org ઉપરથી પૂનમના તેમજ અન્ય દિવસો દરમિયાન ઓનલાઇન દર્શન કરી શકશે.
બહુચરાજી મંદિર પણ 17થી 22 જાન્યુઆરી સુધી બંધ રહેશે. યાત્રાધામ ચોટિલા પણ શ્રદ્ધાળુના દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. સંક્રમણ વધે નહીં તે માટે ચોટિલા મંદિરના ટ્રસ્ટે 17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી સવાર અને સાંજની આરતીના દર્શન ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આરતી પછી કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
ખેડા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આજે પોષ સુદ પૂનમે બંધ રાખવામાં આવશે. પૂનમના દર્શન બંધ હોવાથી હજારો ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા જેમને કોવિડ ગાઇડ લાઇન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિર કમિટીના ડેપ્યુટી મેનેજર રવિન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, તારીખ 18 જાન્યુઆરીથી કોવિડ ગાઇડલાઇન સાથે ડાકોર મંદિરમાં દર્શન થઈ શકશે.