મશહૂર કથક નર્તક પંડિત બિરજૂ મહારાજનું ગત મોડી રાત્રે નિધન થયું છે. તેમની ઉંમર 83 વર્ષની હતી અને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. બિરજૂ મહારાજના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ થકી બિરજૂ મહારાજના નિધનની માહિતી આપી હતી.
બિરજૂ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રીજમોહન મિશ્ર હતું. તેઓ લખનઉ ઘરાનાથી સંબંધ ધરાવતા હતા. બિરજૂ મહારાજ કથકના ડાંસર હોવાની સાથે શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજૂ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળ્યું હતું. બિરજૂ મહારાજે દેવદાસ, ડેઢ ઈશ્કિયા, ઉમરાવ જાન અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં ડાંસ કોરિયોગ્રાફી પણ કરી હતી. 2012માં વિશ્વરુપમ ફિલ્મમાં ડાંસ કોરિયોગ્રાફી માટે બિરજૂ મહારાજને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.