દેશમાં ફરી વખતે કોરોના વાઇરસે ઉધડો માર્યો છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા લોકોને વેક્સીનના બંને ડોઝ લેવા માટે વારંવાર મથામણ કરવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવતા કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોના વેક્સિનેશનને લઈ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ વ્યક્તિને તેની મરજી વગર બળજબરીથી વેક્સિન ડોઝ ન આપી શકાય.
કેન્દ્ર સરકારે દિવ્યાંગ વ્યક્તિઓને વેક્સિનેશન સર્ટિફિકેટ પ્રસ્તુત કરવામાં છૂટ મુદ્દે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેમના દ્વારા આવી કોઈ SOP જાહેર કરવામાં નથી આવી જેમાં કોઈ પણ ઉદ્દેશ્ય માટે કોરોના વેક્સિનેશન પ્રમાણપત્ર અનિવાર્ય હોય.
મળેલ માહિતી અનુસાર કેન્દ્ર સરકારે આ વાત એક NGOની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવ્યું હતું. અરજીમાં NGOએ દિવ્યાંગોના ઘરે-ઘરે જઈને વેક્સિનેશન કરવાની માગણી કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોમાં કોઈપણ વ્યક્તિની સહમતિ વગર બળજબરીથી વેક્સિનેશનની પરિકલ્પના નથી કરવામાં આવેલી. ઉપરાંત કોરોના મહામારીને અનુલક્ષીને વ્યાપક જનહિતમાં વેક્સિનેશન કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય ના જણાવ્યા અનુસાર, વિભિન્ન પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વિજ્ઞાપન દ્વારા એવી સલાહ આપવામાં આવી છે કે, તમામ નાગરિકોએ કોરોના વેક્સિન લેવી જોઈએ તથા તેના માટે વ્યવસ્થા અને પ્રક્રિયા પણ નિર્ધારિત કરવામાં આવી છે. જોકે કોઈ પણ વ્યક્તિને તેની સહમતિ વગર વેક્સિન લગાવવા માટે મજબૂર ન કરી શકાય.