નવી દિલ્હી : કોરોનાકાળ દરમિયાન વિશ્વની સાથે ભારતમાં પણ આર્થિક અને આવકની અસમાનતામાં વૃદ્ધિ જોવા મળી છે. ભારતમાં અબજોપતિની સંખ્યા 40 વધી હવે 142 થઇ છે. આ ઉપરાંત, સૌથી ધનવાન 100 વ્યક્તિઓ પાસે જે સંપત્તિ છે તેમાં રૂ.23.14 લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે સામે 4.60 કરોડ ભારતીયો અતિશય ગરીબીમાં ધકેલાઈ ગયા છે.
સૌથી ધનવાન વ્યક્તિઓની જે સંપત્તિ છે તેની સામે દેશના સૌથી નીચલા વર્ગના 55.5 કરોડ વ્યક્તિઓની સંપત્તિ વર્ષ 2021માં એકસમાન થઇ ગઈ હોવાનો અહેવાલ વૈશ્વિક સ્તરે નહી નફાના ધોરણે કામ કરતી સંસ્થા ઓક્સફામના સોમવારે બહાર પડેલા અહેવાલમાં સામે આવ્યું છે.
ઓક્સ્ફામે માર્ચ 2020થી નવેમ્બર 2021ના કોરોના મહામારીના સૌથી વધારે અસરગ્રસ્ત સમયગાળાનો અભ્યાસ કરી આર્થિક અસમાનતા અંગે પણ પણ પોતના અહેવાલ ‘ઇન્કવાલિટી કિલ્સદ એટલે કે આર્થિક અસમાનતા મારી નાખે છે માં નોંધ કરી છે.
આ અહેવાલ અનુસાર જયારે ભારતના અબજોપતિની સંપત્તિ વધી રહી હતી ત્યારે 4.6 કરોડ ભારતીય ગરીબીના ખપ્પરમાં હોમાયા હતા. વિશ્વમાં ગરીબોની જે સંખ્યા આ સમયમાં વધી છે તેમાં ભારતનો હિસ્સો અર્ધા જેટલો છે.
ઓક્સફામના એકઝીક્યુટીવ ડીરેક્ટર ગેબ્રેલીયા બુચરે જણાવ્યું હતું કે જે રીતે આર્થિક અસમાનતા વધી રહી છે તે એક આશ્ચર્ય નથી પણ તેની તીવ્રતા એક વિકલ્પ છે.
મહામારી સામે આપણા આર્થિક માળખાના લીધે લોકો વધારે અસલામત બન્યા છે અને તેની સાથે આ કટોકટીનો પોતાના નફા માટે ધનિકોએ ફાયદો ઉઠાવ્યો છે,દ એમ ગેબ્રેલીયાએ જણાવ્યું હતું.
આ અહેવાલમાં જણાવ્યું છે કે આર્થિક અસમાનતા એ આર્થિક અપરાધ છે અને તેના કારણે જેમની પાસે આરોગ્ય, ભૂખમરા, જળવાયુ પરિવર્તન સામે લડવાની શક્તિ નહી હોવાથી દૈનિક 21,000 જેટલી વ્યક્તિઓએ મરવું પડે છે.
કોરોનાકાળ દરમિયાન દેશમાં આર્થિક વહેંચણી અસમાન બનતા અમીર અને ગરીબ વચ્ચેની ખીણ વધારે પહોંચી થઇ ગઇ છે.. મહામારીને કારણે છેલ્લા એક વર્ષમાં દેશમાં 84 ટકા પરિવારોની આવક કે કમાણીમાં જંગી ઘટાડો થયો છે. દેશના સૌથી વધુ ધનવાન 98 અબજોપતિઓ પાસે લગભગ રૂ. 49.27 લાખ કરોડની સંપત્તિ છે, જે આથક ધોરણે નીચલા સ્તરના 55.5 કરોડ લોકોની કુલ સંપતિ જેટલી છે.
એટલું જ નહી, આવકની અસમાનતા પુરૂષ અને મહિલાઓની સંપત્તિ વચ્ચે પણ જોવા મળી રહી છે. ઓક્સફામના અહેવાલ અનુસાર મહિલાઓની સંપત્તિમાં રૂ.59.11 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે જયારે વર્ષ 2019ની સરખામણીએ હવે 1.3 કરોડ મહિલાઓ પાસે કોઈ કામ નથી. આવી સ્થિતિ 135 વર્ષ અગાઉ જોવા મળી રહી હતી.
કોરોના મહામારી દરમિયાન દેશના 84 ટકા પરિવારોની કમાણી ઘટતા ભારતમાં ગરીબી ચિંતાજનક દરે વધી છે. ઓક્સફેમના રિપોર્ટ મુજબ વર્ષ 2020માં દક્ષિણ એશિયન રાષ્ટ્રમાં ગરીબોની સંખ્યા બમણી વધીને 13.4 કરોડે પહોંચી ગઇ છે. એક અન્ય અહેવાલ મુજબ દૈનિક મહેનતાણું મેળવતા શ્રમિકો, સ્વરોજગારી મેળવનાર અને બેરોજગારોએ સૌથી વધુ આત્મહત્યા કરી છે.
વિશ્વના 10 ધનકુબેરો પાસે 3.1 અબજ વસતિ જેટલી સંપત્તિ
આર્થિક અસમાનતાના આંખો ફાટી જાય એવા આંકડા આપતા ઓક્સફામના અહેવાલમાં જણાવ્યું છે કે માર્ચ 2020 પછી ફાટી નીકળેલી મહામારીમાં વિશ્વના ટોચના 10 ધનિકોની આવકમાં 1.5 ટ્રીલીયન ડોલરની વૃદ્ધિ થઇ છે. આ વૃદ્ધિની રકમ જેટલી સંપત્તિ વિશ્વની 3.1 અબજ વસતી પાસે છે. અત્યારે વિશ્વની કુલ વસતી 7.87 અબજ છે એટલે કે દુનિયાની 40 ટકા પ્રજા પાસે જેટલી સંપત્તિ છે એટલી આવકની વૃદ્ધિ માત્ર 10 વ્યક્તિઓમાં જોવા મળી છે.
સંપત્તિ વેરો લાદી ગરીબોને વેક્સિન આપો
ઓક્સ્ફામે વિશ્વના નેતાઓ અને સરકારને એવી ભલામણ કરી છે કે મહામારીના કારણે ગરીબો અને ગરીબ દેશોની હાલત કફોડી બની છે. વિશ્વના ટોચના 10 વ્યક્તિઓ ઉપર એક જ વખત વસુલાય એવો 99 ટકા સંપત્તિ વેરો લાદવો જોઈએ. જો આમ થાય તો, લગભગ 800 અબજ ડોલરની રકમ ઉભી થઇ શકે જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં મહામારીથી અસરગ્રસ્ત દેશોના ગરીબ લોકોને વેક્સિન અને અન્ય આરોગ્ય સવલત કે સારવાર માટે થઇ શકે છે.
દેશમાં ટોચના 10 ટકા ધનિકો પર એક ટકા ટેક્સ લાદવાથી બાળકોના 25 વર્ષ શિક્ષણનો ખર્ચ નિકળે
ઓક્સફેમ સંસ્થાએ ભલામણ કરી છે કે, સરકારે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રોકાણ કરવા દેશના સૌથી ધનિક 10 ટકા વ્યક્તિઓ પર એક ટકા સરચાર્જ લાદવો જોઇએ. ભારતના સૌથી ધનાઢય 10 અબજોપતિઓની સંપત્તિથી બાળકોનો શાળા અને ઉચ્ચ શિક્ષણ માટેનો 25 વર્ષ સુધીનો ખર્ચ પુરો થઇ શકે છે. ધનાઢયો પરના વાર્ષિક વેલ્થ ટેક્સથી સરકારને દર વર્ષ 78.3 અબજ ડોલરની આવક થઇ શકે છે.
જે સરકારના આરોગ્ય બજેટમાં 271 ટકાનો વધારો કરવા અથવા પરિવારોના ખિસ્સા બહારના આરોગ્ય ખર્ચને પૂરો કરવા અને લગભગ 30.5 અબજ ડોલરનો ખર્ચ કરવા માટે પૂરતું છે. શિક્ષણના બદલે આ રકમથી આયુષ્યમાન ભારત કે જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે તેનો સાત વર્ષનો ખર્ચ નીકળી શકે છે એમ ઓક્સફામ નોંધે છે.