ગુજરાત સરકારની ૧૨૧ દિવસમાં કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન ક્ષેત્રે સફળ કામગીરી : મંત્રી રાઘવજી પટેલ

રાજ્યમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસ દરમિયાન થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન અન્વયે પ્રથમ તબક્કામાં ચાર જીલ્લા જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટના ૨૩ તાલુકાના ૬૮૨ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૪૭ કરોડનુ માતબર સહાય પેકેજ જાહેર કરાયુ હતુ. જ્યારે બીજા તબક્કામાં નવ જીલ્લાઓ અમદાવાદ, અમરેલી,ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ,પંચમહાલ અને વડોદરાના ૩૭ તાલુકાઓના ૧૫૩૦ ગામોના ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ. ૫૩૧ કરોડનુ સહાય પેકેજ જાહેર કરવામા આવ્યુ છે.

વડપ્રધાન નરેન્દ્રમોદીના વરદહસ્તે પીએમ કિસાન યોજનાના ૧૦માં હપ્તા પેટે દેશના ૧૦.૦૯ કરોડ લાભાર્થી ખેડૂત પરિવારોને રૂ. ૨૦,૦૦૦ કરોડ પૈકી રાજ્યના ૫૭.૪૮ લાખ પરિવારોને રૂ.૧૧૪૯ કરોડની રકમ સીધી તેમના બેંક ખાતામાં હસ્તાંતરિત કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્યમાં ખરીફ-૨૧ માટે  તા.૧૭.૦૧.૨૦૨૨ અંતિત કુલ ૧૨૭ ખરીદ કેન્દ્રો ખાતેથી કુલ ૪૨૮૧૮ ખેડૂતો પાસેથી કુલ ૮૦૭૬૨.૫૮ મે.ટન મગફળી તથા અન્ય કઠોળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. જેનું મૂલ્ય કુલ રૂ.૪૪૮.૩૦ કરોડ થાય છે.

રાજયના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર પાક સંગ્રાહક સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ ૫૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય એક તબક્કે ચુકવવાનું નિર્ધારીત થયેલ હતુ. જે હવે રાજયના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર ઠરાવ મુજબના સ્પેશીફીકેશન ધરાવતા પાક સંગ્રાહક સ્ટ્રકચર બનાવવા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ ૧૦૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય ચુકવવા બાબતે દરખાસ્ત રજુ કરવામા આવી છે.

આગામી વર્ષ ૨૦૨૨-૨૩ માં જામનગર, અમદાવાદ અને ખેડા જિલ્લાઓમાં પણ વધુ ૩ નવા સેન્ટર ઓફ એક્સેલન્સ ઉભા કરવાનું આયોજન છે. બાગાયત ખાતાના “કેનિંગ અને કિચન ગાર્ડન સેન્ટરો” ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટના સેન્ટર”તરીકેની તાલીમ આપવા માટે રાજ્યના ૩૩ જીલ્લાઓમાં ઓનલાઇન માધ્યમથી કૂલ ૧૪૯૫ તાલીમાર્થીઓને તાલીમ આપી યોજનાનું સમગ્ર રાજ્યમાં અમલીકરણ શરૂ કરવામાં આવ્યું. જેના દ્વારા શહેરી વિસ્તારમાં પોતાના ઘરની આજુ બાજુની ખુલ્લી જગ્યામાં કિચન ગાર્ડન, હર્બલ ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, બાલ્કની ગાર્ડન દ્વારા બાગાયતી પેદાશનુ ઉત્પાદન કરી પોતે ઉપયોગ કરી પોષણ અને સ્વાસ્થ્યની જાળવણી કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *