ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે વોટરોને લલચાવવા માટે એક મોટો દાવ ખેલ્યો છે.
સમાજવાદી પાર્ટી કાલથી 300 યૂનિટ વીજળી ફ્રી આપવા માટે ‘નામ લીખવાઓ અભિયાન’ની શરૂઆત કરશે. 300 યૂનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો કરી ચૂકેલા અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી કાલથી ‘નામ લીખવાઓ અભિયાન’ચલાવશે. આ માટે લોકોને નામ લખાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી સરકાર બનવા પર તેમને મફત વીજળી આપવામાં આવી શકે.
લખનઉમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સમાજવાદી પાર્ટી કાલ (બુધવાર)થી આ અભિયાન ચલાવવા જઇ રહી છે. જે લોકો 300 યૂનિટ ફ્રી વીજળી ઇચ્છે છે તે લોકો રજિસ્ટ્રેશન કરે અને ફોર્મ ભરે. જેથી એ અપીલ છે કે જેમની પાસે વર્તમાનમાં ઘરેલું કનેક્શન છે તેના વીજળી બિલ પર જે નામ લખેલું આવે છે તે જ નામ લખાવો.
અખિલેશ યાદવે કહ્યું કે જેમની પાસે હાલ ઘરેલું વીજળી કનેક્શન નથી અને જે ભવિષ્યમાં લેવાના છે તે લોકો આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં લખેલું નામ જ લખાવો. આ અભિયાન કાલથી શરૂ થવાનું છે. પોતાનું નામ લખાવો અને 300 યૂનિટ વીજળી ફ્રી મેળવો. તમને જણાવી દઈએ કે અખિલેશ યાદવે વાયદો કર્યો છે કે 2022માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા પર 300 યૂનિટ ઘરેલું વીજળી મફત આપવામાં આવશે. સાથે ખેડૂતોની બધી સિંચાઇ મફત રહેશે.