કેંદ્ર સરકારે દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના વાઇરસનું ટેસ્ટિંગ વધારવાના આદેશ આપ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોેને પત્ર લખીને કહ્યું છે કે કોરોનાના હોટસ્પોટ અને વધુ વસતી વાળા વિસ્તારોમાં ટેસ્ટિંગનું પ્રમાણ તાત્કાલીક ધોરણે વધારવામાં આવે.
રાજ્યોમાં કોરોનાના નવા કેસોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે એવા સમયે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને ટેસ્ટનું પ્રમાણ વધારવા કહ્યું છે અને સાથે સ્થિતિને ધ્યાનમાં રાખીને ચેતવણી પણ આપી છે.
બીજી તરફ દેશભરમાં કોરોનાના નવા ૨.૪૦ લાખથી વધુ કેસો સામે આવ્યા છે જે છેલ્લા ૨૩૦ દિવસમાં સૌથી વધુ માનવામાં આવે છે. જ્યારે ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા વધીને ૮,૮૯૧ને પાર પહોંચી છે.
બીજી તરફ એક્ટિવ કેસો પણ વધીને ૧૭.૩૬ લાખને પાર પહોંચ્યા છે જે ૨૩૦ દિવસમાં સૌથી વધુ છે. ૨૪ કલાકમાં વધુ ૩૧૦ લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક વધીને ૪.૮૬ લાખને પાર પહોંચ્યો છે. સોમવારથી અત્યાર સુધીમાં ઓમિક્રોનના કેસોમાં પણ ૮.૩૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. દરમિયાન નેતાઓને પણ ઓમિક્રોનની અસર જોવા મળી રહી છે.
રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ૪૦ હજાર જેટલા કેસો સામે આવ્યા હતા જે એક દિવસ અગાઉ કરતા ૨૬ ટકા વધુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ ૫૩ લોકોના મોત નિપજ્યા હતા. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો નવો કોઇ કેસ સામે નથી આવ્યો. જ્યારે મહારાષ્ટ્ર જેવી જ સ્થિતિ દિલ્હીની પણ છે.
દિલ્હીમાં કોરોનાના નવા ૧૧,૬૮૪ કેસો સામે આવ્યા છે. અને વધુ ૩૮ લોકોના મોત નિપજ્યા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ પણ વધીને ૨૨.૪૭ ટકાને પાર પહોંચ્યો છે. દેશભરમાં કોરોના વિરોધી રસીના કુલ ૧૫૮.૭૪ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.