ગુજરાત સરકારે પણ ગત વર્ષે ટેસ્લા કંપનીને કચ્છના મુંદ્રામાં કાર પ્લાન્ટ નાંખવા માટે એક હજાર હેક્ટર જમીન આપવા તૈયારી દર્શાવી હતી. પણ હજુ સુધી ટેસ્લાએ કોઇ હકારાત્મક પ્રત્યુતર આપ્યો નથી.
આગામી દિવસોમાં ટેસ્લા ગુજરાતની ઓફર સ્વિકારશે. અત્યારે તો ટેસ્લાને ઓફર આપવામાં જ રાજ્યો વચ્ચે સ્પર્ધા જામી છે. ટેસ્લા ભારતમાં ઇલેકટ્રીક વાહનોનું ઉત્પાદન કરવા માંગે છે પરિણામે વિવિધ રાજ્યો ટેસ્લાને ઓફરો કરી રહ્યા છે.
ગુજરાત સરકાર મુંદ્રાને ઇલે.વ્હિકલ હબ બનાવવા ઇચ્છુક છે તે જોતાં ટેસ્લો ગુજરાતમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ નાંખે તે માટે તનતોડ પ્રયાસો થઇ રહ્યા છે. વર્ષ 2021માં ગુજરાત સરકારે ટેસ્લો સાથે મંત્રણાનો દોર શરૂ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત સરકારે ઇન્ડસ્ટ્રીયલ પોલીસીનો લાભ આપવા પણ આયોજન કર્ય હતું.
ઉદ્યોગ વિભાગના અધિકારીઓનું કહેવુ છેકે, અત્યારે તો ટેસ્લા આયાત ડયુટી ઓછી કરે તો જ ભારતમાં પ્લાન્ટ નાંખવા માંગે છે પણ કેન્દ્ર આ વાત સ્વિકારવા તૈયાર નથી જેથી આખોય મામલો ગૂંચવાયો છે. આયાત ડયુટીનો પ્રશ્ન ઉકેલાઇ જાય પછી ગુજરાત સરકાર ફરી એકવાર ટેસ્લા સાથે મંત્રણાનો દોર શરૂ કરશે.
એક વર્ષ પહેલાં એક હજાર હેક્ટર જમીન આપવાની ઓફર કરાઇ હતી જેનો હજુ સુધી ટેસ્લાએ ગુજરાત સરકારને પ્રત્યુતર કે પ્રતિસાદ આપ્યો નથી. ટેસ્લા ગુજરાતમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ નાંખે તો, તેને લાભ થઇ શકે છે તેવો સરકારી અધિકારીએ દાવો કર્યો છે કેમકે, ગુજરાત રિન્યુએબલ એનર્જી હબ છે.
બીજા રાજ્યોની સરખામણીમાં રિન્યુએબલ એનર્જીના ભાવ પણ ઓછા છે જેથી ઇલે.વાહનના ઉત્પાદનમાં કંપનીને ફાયદો થઇ શકે તેમ છે. મહત્વની વાત એછેકે, ટેસ્લો ઇલે.કારને ગુજરાતમાંથી વિદેશમાં વેચાણ અર્થે મોકલવા માંગે તો પોર્ટ પણ ઉપલબ્ધ છે જે ગુજરાતનુ જમા પાસુ છે. આમ, ટેસ્લાને ગુજરાત ખેંચી લાવવા પ્રયાસો થઇ રહ્યા છે.