હવામાન વિભાગે કરેલ આગાહી મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ શહેરમાં આજે વહેલી સવારે ગાઢ ધૂમ્મસનું સમ્રાજ્ય જોવા મળ્યું હતું. અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવના કારણે ધૂમ્મસ જોવા મળ્યું હતું. ધૂમ્મસ સાથે ઠંડીમાં પણ ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં છવાયેલા ધૂમ્મસના કારણે વિઝીબલિટી ઘટી જતાં વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી.
ગાંધીનગર શહેર, કલોલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં શરીર કંપવતી ઠંડી હવાઓ સાથે ધુમ્મસ એટલી હદે પ્રસરી કે વિઝીબલિટી ૪૦૦ મીટરથી પણ ઓછી થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં રોડ રસ્તા પર વાહન વ્યવહાર પણ ઓછો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ઓછી વિઝીબલિટીના કારણે ભારે વાહન ચાલકોએ મુસાફરી કરવાનું ટાળ્યું હતું
હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ ફિશરીઝ વિભાગ દ્વારા 24 જાન્યુઆરી સુધી જખૌ, માંડવી, મુંદ્વા, ન્યૂ કંડલા, જામનગર સહિતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને કાળજી રાખવા જણાવ્યું છે તેમજ હાલમાં કાપણી કરેલા પાકને તાત્કાલિક ધોરણે સલામત જગ્યાએ ખસેડવા અનુરોધ કર્યો છે.