12મા “ફોરેન્સિક સાઇકોલોજી દિન”ની ઉજવણીના ભાગરૂપે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે ‘એક્સપાન્ડિંગ હોરાઇઝન્સ ઓફ ફોરેન્સિક સાઇકોલોજી’ વિષય ઉપર વર્ચ્યૂઅલ માધ્યમથી પરિસંવાદ 21મી જાન્યુઆરી, 2022ના રોજ યોજાયો હતો. જેમાં, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું હતું.
આ પરિસંવાદમાં જાણીતા વક્તા, ન્યાયાધીશ મેલ ફ્લેનેગન, પૂર્વ સર્કિટ જજ અને એજન્ક્ટ પ્રોફેસર, વિસ્કોન્સિન યુનિવર્સિટી, યુએસએ દ્વારા ‘ઈમ્પ્લિસિટ બાયસ એન્ડ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન’ વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. જ્યારે પ્રતિષ્ઠિત વક્તા, ડૉ. હેન્સ લીઓ ટ્યુલિંગ્સ, સીઇઓ, ન્યુરોસ્ક્રિપ્ટ, યુએસએ દ્વારા ‘ફોરેન્સિક સાયકોલોજિકલ પ્રોફાઇલિંગ યુઝિંગ હેન્ડરાઇટિંગ મુવમેન્ટ’ વિષય ઉપર તજજ્ઞીય વિચારો રજૂ થયા હતા.
ડૉ. જે. એમ. વ્યાસે અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવ્યું કે ફોરેન્સિક સાઇકોલોજી ગુનાની તપાસ અને ગુનાને અટકાવવામાં ખૂબ જ ઉપયોગી છે. ફોરેન્સિક સાઇકોલોજિકલ મેથડ્સ દ્વારા માત્ર ગુનેગારોની ઓળખ જ નથી થતી, પરંતુ નિર્દોષ વ્યક્તિને પણ સજામાંથી બચાવી શકાય છે. માટે જ કાયદા અમલીકરણ એજન્સી(લો એન્ફોર્સમેન્ટ એજન્સી) દ્વારા ગુનાની તપાસ અને શોધમાં ફોરેન્સિક સાઇકોલોજિકલ મેથડ્સનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે છે.
ડો. જે. એમ. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે NFSU દ્વારા આ વર્ષે 12મા ફોરેન્સિક સાયકોલોજી દિનની ઉજવણી થઈ રહી છે. NFSUએ અત્યાર સુધીમાં 70 થી વધુ દેશોના કાયદા અમલીકરણ અધિકારીઓને વિવિધ ફોરેન્સિક સાઇકોલોજિકલ પદ્ધતિઓની તાલીમ આપી છે. મનોવિજ્ઞાનની આ શાખામાં, ક્લિનિકલ સાયકોલોજીનો ઉપયોગ ગુનેગારોના પુનર્વસન માટે પણ થાય છે. જ્યારે ફોરેન્સિક સાયકોલોજીનો ઉપયોગ મુખ્યત્વે ગુનાની તપાસ અને ગુના નિવારણ માટે થાય છે.
ડૉ. જે. એમ વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ફોરેન્સિક સાઇકોલોજીની વિશેષતા એ છે કે પુરાવાના અભાવમાં ફોરેન્સિક સાઇકોલોજિકલ મેથડ્સ અનેક કેસોને ઉકેલવામાં મદદરૂપ બની રહે છે. ઉદાહરણ તરીકે, એક વર્ષ કે બે-ત્રણ વર્ષ અગાઉ થયેલા ગુનાઓમાં તપાસ અધિકારીઓને ક્રાઇમ સીન ઉપરથી સજ્જડ પુરાવા ન મળે તેવા અનેક કિસ્સાઓમાં ફોરેન્સિક સાઇકોલોજિકલ મેથડ્સ ગુનાની શોધમાં મદદગાર બને છે.
આપણે સૌ જાણીએ છીએ કે માનવ મન એ મેમરી સ્ટોરેજ (સ્મૃતિ-સંગ્રહ) માટેનું સૌથી મોટું કમ્પ્યૂટર છે, એમ કહી ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે ફોરેન્સિક સાઇકોલોજિસ્ટ માનવ-મસ્તિષ્કમાં રહેલી સ્મૃતિને પુનઃપ્રાપ્ત કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા સત્ય જાણીને ગુનાની શોધમાં મદદરૂપ સાબિત થાય છે. કોર્ટ આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા ગુનામાં બહુધા નાર્કો ટેસ્ટ માટે પરવાનગી આપે છે. આ ટેસ્ટ કથિત ગુનેગાર પાસેથી વિગતો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આવી ટેક્નોલોજી અંતર્ગત, જો કોઈ વ્યક્તિ અમેરિકી રાષ્ટ્રપ્રમુખને મળવા ઈચ્છે તો તેણે ‘આઈ-ડિટેક્શન ટેસ્ટ’ કરાવવો પડે છે. એ જ રીતે, જો કોઈ વ્યક્તિ ઈઝરાયેલના રાષ્ટ્રપતિને મળવા માંગે તો તેણે ‘સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ’માંથી પસાર થવું પડશે. આવી ટેક્નોલોજીનો મુખ્ય હેતુ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિઓ અથવા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે કે નહીં? તેની ઓળખ કરવાનો છે. આમ, આવી વિશિષ્ટ ટેક્નોલોજી VVIP સુરક્ષા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ પરિસંવાદમાં ન્યાયાધીશ મેલે દ્વારા ગુનાહિત વર્તણૂકમાં ગર્ભિત પૂર્વગ્રહો અને તેની અસરની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ડો.હેન્સેએ હસ્તલેખનની વિશેષતાઓ અને તેના ઉપયોગ દ્વારા વ્યક્તિની સાઇકોલોજિકલ પ્રોફાઇલ બનાવી શકાય છે તથા હસ્તલેખનને અસર કરતાં પરિબળો અંગે માહિતી આપી હતી.
પરિસંવાદના પ્રારંભે, પ્રો. પૂર્વી પોખરીયાલ, ડીન, ફોરેન્સિક સાયકોલોજી સ્કૂલ, NFSU એ પરિસંવાદમાં ભાગ લઈ રહેલા 750 સહભાગીઓ સહિત સૌને ઉમળકાભેર આવકાર્યા હતા. સાથે જ તેમણે સ્કૂલ ઓફ ફોરેન્સિક સાઇકોલોજી દ્વારા થતી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને ફોરેન્સિક સાઇકોલોજી દિનનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.
આ પરિસંવાદ દરમિયાન, પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, કેમ્પસ ડિરેક્ટર, NFSU; સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU અને વિવિધ સ્કૂલ્સના ડીન્સ ઉપસ્થિત રહ્યા હતા.