કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી કરી છે. ૩૫ યુટયૂબ ચેનલ, બે વેબસાઈટ અને પાંચ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ એકાઉન્ટ્સ પાકિસ્તાનમાંથી ચાલતા હતા.
ભારત વિરૃદ્ધ અપપ્રચાર કરતા અને ખોટી માહિતી ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ૩૫ યુટયૂબ ચેનલ, બે વેબસાઈટ્સ, બે ટ્વિટર એકાઉન્ટ્સ, બે ઈન્સ્ટાગ્રામ અને એક ફેસબુક એકાઉન્ટ્સને બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે ગુપ્તચર વિભાગે એક અહેવાલ રજૂ કર્યો હતો. ગુપ્તચર વિભાગની ચેતવણી પછી સરકારે આ પગલું ભર્યું હતું.
આ એકાઉન્ટ્સમાં નફરત ફેલાય એવી પોસ્ટ મૂકવામાં આવતી હતી અને ભારતને બદનામ કરવા માટે જુઠાણા ફેલાવાતા હતા. આ તમામ એકાઉન્ટ્સ પાકિસ્તાનમાંથી ચાલતા હતા. માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારી વિક્રમ સહાયે જણાવ્યું હતું કે આવા એકાઉન્ટ ઉપર સરકાર વિશેષ નજર રાખી રહી છે. દુષ્પ્રચાર રોકવા માટે યોગ્ય પગલાં ભરાશે.
મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી કે સોશિયલ મીડિયામાં થતી ગુનાખોરીના સંદર્ભમાં કંપનીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. એ અરજીના સંદર્ભમાં મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને આ મુદ્દે જવાબ આપવા જણાવ્યું છે. યુટયૂબ, ફેસબુક જેવી કંપનીઓના પ્લેટફોર્મના માધ્યમથી ગુનાખોરી થાય તેવા કેસમાં કંપનીઓને આરોપી કે ઉશ્કેરણી કરનાર તરીકે જોડી શકાય કે કેમ તે દિશામાં વિચારણા કરવા જણાવાયું છે. એક કેસમાં યુટયૂબરને જામીન મળ્યા છે તે રદ્ કરવાની માગણીના સંદર્ભમાં થયેલી અરજીમાં આ રજૂઆત કરવામાં આવી હતી.