વધતા જતા કોરોનાના કેસોને લઇ દેવસ્થાન સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી જગત મંદિરનાં દ્વાર બંધ રહ્યા બાદ આજથી ફરી ખુલતા ભાવિકો શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો ઉપરાંત દ્વારકાના ધંધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે ૬/૩૦ વાગ્યે જગત મંદિરના દ્વાર ખુલ્યા બાદ મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓ એ દર્શન કર્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે દર્શનાર્થે ભગવાનના દ્વાર ફરી કદી બંધ ન થાય અને કોરોનારૂપી રોગ ઝડપથી દેશમાંથી નાબૂદ થાય.
સ્થાનિક વેપારીઓના પણ મંદિર સાથે ધંધા રોજગાર ખુલતા તેઓએ પણ હર્ષની લાગણી અનુભવી હતી. દરરોજ નિયમિત દર્શન કરતા ભાવિકો પણ આજે સવારથી જ રાજા ધી રાજ કાળિયા ઠાકોરના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
અંબાજી મંદિર 15 જાન્યુઆરી, 2022 થી 22 જાન્યુઆરી, 2022 સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો જેને હવે આગળ વધારીને અંબાજી મંદિર તા. 23/01/2022 થી 31/01/2022 સુધી બંધ રહેશે. આ સાથે ગબ્બર દર્શન પણ બંધ રહેશે. દર્શનાર્થીઓના સ્વાસ્થ્યને અગ્રિમતા આપીને 51 શક્તિપીઠ પરિક્રમામાર્ગના મંદિરો બંધ રહેશે.
કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને સોશિયલ મીડિયાના માધ્યમથી સવાર-સાંજની આરતીનું (ઓનલાઇન દર્શન થઇ શકશે) તેવું જીવંત પ્રસારણ કરવામાં આવશે.