વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને આગામી સમગ્ર અઠવાડિયા દરમિયાન હાડ થીજવડી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરના સીધા ઠંડા પવનની અસર સૌથી વધુ અસર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રના કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડા પવન ફૂંકાવાના કારણે બાળકો, પ્રેગ્નેન્ટ મહિલા તથા કોમોર્બિડ વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા કહેવાયું છે. ઠંડીમાં શક્ય હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. એક લેયરના ભારે અને ટાઈટ કપડા પહેરવાની જગ્યાએ ઉનના એકથી વધુ લેયરના ખુલ્લા કપડા પહેરવા જોઈએ. તમારા હાથ, ગરદન, માથું અને પગને કવર કરીને રાખો.
રવિવારે ઉત્તર ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન ફૂંકાવાનું ફરી શરૂ થયું હતું. પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે રાત્રીનું તાપમાન સાડા 7 ડિગ્રી ઘટ્યું હતું.આગામી 72 કલાકમાં ઠંડી 2થી 4 ડિગ્રી વધશે. આ સાથે 48 કલાક સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાશે. જેને લઇ ચારેય જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.