જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં રહેતા એક અમેરિકા સ્થિત યુવક અને શહેરમાં જ રહેતી એક યુવતી, જે બન્ને વચ્ચે પ્રેમ થયા પછી બન્ને પરિવારોની સંમતિથી બે દિવસ પહેલાં લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યાં હતાં, અને લગ્નવિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા પછી આખરે પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી ફરી હતી.
જામનગર ના લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવાનને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો,અને બન્ને એ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેના પરિવારજનોએ સંમતિ આપતા તા. 20ના લગ્ન યોજાયા હતા. જેઓનો લગ્ન સમારંભ જામનગરની એક હોટલમાં યોજાયો હતો. જે લગ્ન પ્રસંગ દરમિયાન દુલ્હન પક્ષ દ્વારા સામાન્ય રીવાજ મુજબ જેમ દરેક લગ્નપ્રસંગોમાં જોવા મળે છે તેમ વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી. ત્યારે વરરાજા દ્વારા નાક પકકવાની ના પાડી હતી. જેથી કન્યા પક્ષ દ્વારા ખાલી નાકને સ્પર્શ કરવાની વાત કરાઈ હતી. પરંતુ વર પક્ષને તે પણ મંજૂર ન હતુ. તેઓએ નાકને સ્પર્શ કરવાની પણ ના પાડી હતી. જેને લઈને બંને પરિવાર લગ્ન મંડપમાં બાખડી પડ્યા હતા. બંને પરિવારના મોભીઓ નાની અમથી વાતને લઈને ઝઘડી પડ્યા હતા.
દરમિયાન કન્યા પણ મેદાને આવી ગઈ હતી અને પોતાની માં સહિતના સબંધીઓનું અપમાન સહન ના થતા તેણીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.કન્યાએ હિમ્મતભેર લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી વળી જવા કહ્યું હતું જેથી જાન લીલા તોરણે પાછી ફરી હતી ત્યારબાદ વડીલો વચ્ચે વાતચીત થઇ હતી પરંતુ આ વાતચીત અધૂરા સંબંધને જોડી શકી ન હતી અને જાન લીલા તોરણે પરત ફરી હતી.બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફટ પણ પરત મોકલાવી દીધી હતી. આમ નાકના પ્રશ્ને લગ્ન ફોક થયાનો આ કિસ્સો ભારે ચર્ચાનું કેન્દ્ર બની જવા પામ્યો છે.