દેશના 73માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગીરસોમનાથ જિલ્લામાં કરાશે.26મી જાન્યુઆરીએ ધ્વજવંદન બાદ મુખ્યમંત્રી ખુલ્લી જીપ્સીમાં પરેડની સલામી ઝીલશે અને ત્યારબાદ કુલ ૧૮ પ્લાટુન જેમાં નેવીના કમાન્ડો, રાજ્યભરની વિવિધ જિલ્લાની પોલીસ પ્લાટુન, મહિલા પોલીસ પ્લાટુન, શ્વાન દળ, અશ્વદળ, એન.એસ.એસ યુનિટ, તેમજ વિવિધ સુરક્ષાદળો જોડાશે.વિધાનસભાના અધ્યક્ષા નીમાબેન આચાર્ય મોરબી ખાતે ધ્વજ વંદન કરાવશે. આણંદ ખાતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજકોટ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, જ્યારે અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ધ્વજ વંદન સમારોહ યોજાશે. આ ઉપરાંત, પૂર્ણેશ મોદી બનાસકાંઠા ખાતે, કૃષિ મંત્રી રાઘવજી પટેલ પોરબંદર ખાતે, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સુરત ખાતે ધ્વજવંદન કરાવશે. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ભાવનગરમાં, આદિજાતિ મંત્રી નરેશ પટેલ વલસાડમાં, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદિપ પરમાર વડોદરામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.
ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે. અન્ય જિલ્લાઓમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ અને કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.
સવારે 10ના બદલે 10:30 એ યોજાશે પરેડ અને ફ્લાયપાસ્ટ
દેશભરમાં 73મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી થઇ રહી છે.રાજધાની દિલ્હીના રાજપથ ખાતે મુખ્ય સમારંભનું આયોજન કરવામાં આવશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરેડની સલામી ઝીલશે.આ વર્ષે પરેડ નિર્ધારીત 10 વાગ્યાને બદલે 10:30 વાગે શરુ થશે.ગણતંત્ર સમારંભમાં દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાના રાજપથ પર દર્શન થશે.આ વર્ષે ગણતંત્ર દિવસનું આયોજન આઝાદીના 75મા વર્ષમાં થઇ રહ્યું હોવાથી વિશેષ છે. ગણતંત્ર દિવસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધસ્મારકની મુલાકાત થી થશે.પ્રધાનમંત્રી અહીં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવના રૂપમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે.
“વંદે ભારતમ” સ્પર્ધામાં પસંદગી પામેલા કલાકારો દ્વારા રજૂ થનારી પ્રસ્તુતિ આકર્ષણના કેન્દ્ર રહેશે
ભારતીય વાયુસેનાના 75 વિમાન અને હેલિકોપ્ટર ફલાયપાસ કરશે.”વંદે ભારતમ” સ્પર્ધામાં પસંદગી પામેલા કલાકારો દ્વારા રજૂ થનારી પ્રસ્તુતિ આકર્ષણના કેન્દ્ર રહેશે.આ વર્ષે પરેડમાં કુલ 16 ટુકડીઓ ભાગ લઇ રહી છે.તેમાં ભૂમિદળની 6,નૌકાદળ અને વાયુસેનાની 1-1,કેન્દ્રીય સશસ્સ્ર પોલીસ દળના 4, દિલ્હી પોલીસની1, NCCની 2,તેમજ NSSની એક ટુકડીનો સમાવેશ થાય છે.વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિભાગોની 25 ઝાંખી,ગણતંત્ર પરેડમાં ભાગ લેશે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.સુરક્ષા માટે 27 હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત થયા છે. 300થી વધુ CCTV લગાવવામાં આવ્યા છે. આ વર્ષે ગણતંત્ર પરેડ નિહાળવા માટે ઑટો રીક્ષા ચાલકો, શ્રમિકો, સફાઇ કર્મચારી અને ફ્રન્ટલાઇન વર્કર્સના કેટલાક સમુહોને વિશેષ રૂપે નિમંત્રણ અપાયું છે