કોંગ્રેસના નેતાઓ ભાજપમાં સામેલ થવા લાગ્યા છે. આવા જ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા આરપીએનસિંહે કોંગ્રેસ છોડી દીધી હતી અને ભાજપમાં સામેલ થઇ ગયા છે.
કોંગ્રેસ છોડયા બાદ આરપીએન સિંહે કહ્યું હતું કે કોંગ્રેસને આજે એવા લોકો છોડી રહ્યા છે કે જેઓએ પક્ષની નિસ્વાર્થભાવે સેવા કરી છે. જોકે હાલ પરિસ્થિતિ એવી છે કે અનેક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા આરપીએન સિંહના રાજીનામાથી કોંગ્રેસમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
બીજી તરફ આરપીએન સિંહના કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવા પર કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતાએ કહ્યું હતું કે આ બહુ જ લાંબી લડાઇ છે. જેને કાયર લોકો નહીં લડી શકે. આ મુશ્કેલી ભરી લડાઇ સાહસ, વીરતા, બહાદુરીથી જ લડી શકાય તેમ છે. જેને લડવા માટે હિમ્મત જોઇએ અને કાયરો આ લાંબી લડાઇ ન લડી શકે.
આરપીએન સિંહના રાજીનામા બાદ તેમના બે સાથી નેતાઓએ પણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. જ્યારે પૂર્વ સાંસદ આનંદ ગૌતમે પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. આનંદ ગૌતમ પૂર્વ સાંસદ ઉપરાંત કોંગ્રેસના વરીષ્ઠ નેતા પણ છે. દરમિયાન જમ્મુમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દિના નાથ ભગત ભાજપમાંથી રાજીનામુ આપીને કોંગ્રેસમાં સામેલ થયા હતા.