અમદાવાદ શહેરના થલતેજમાં આવેલી એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકની હેવાનીયત સામે આવી છે. આ શિક્ષક કલાસરૂમમાં વિદ્યાર્થીનીને અભ્યાસના નહિ પણ પ્રેમના પાઠ ભણાવતો હતો અને આમ જ એક વિદ્યાર્થીનીને ભોળવીને ઘણા વર્ષ સુધી તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જો કે વિદ્યાર્થીની માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ થતાં આખરે હૈવાન શિક્ષકનો ભાંડો ફૂટ્યો અને વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરી છે.
મયંક દીક્ષિત નામના શિક્ષકે વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ બાદ યુવતીના લગ્નની વાત આવે ત્યારે આરોપી શિક્ષક વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. એ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં વસ્ત્રાપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. જ્યારે પણ વિદ્યાર્થીની શારીરીક સંબંધ બાંધવાનું ના પાડતી ત્યારે આરોપી દ્વારા તેના ફોટોઝ વાઇરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી..હાલ આ આરોપી BYJU’S ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
પોલીસે આરોપી શિક્ષક ની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરીને ફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબના સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીની તેની હૈવાનિયતનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.