કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી બાદ અનેક બેઠકો પર સતત બગાવતી તેવર સામે આવી રહ્યા છે. અસંતોષના પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. તેના અનુસંધાને ઉત્તરાખંડના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયને પાર્ટીવિરોધી ગતિવિધિઓના કારણે ૬ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેઓ આજે ભાજપ સાથેનો ઘરોબો વધી રહ્યો હોવાના સમાચારો વચ્ચે પાર્ટીએ તેમને તમામ પદો પરથી દૂર કરી દીધા હતા.
કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થયા બાદ ગઢવાલથી કુમાઉં સુધી વિભિન્ન બેઠકો પર કાર્યકરોમાં રોષ છે. બુધવારે મોડી રાતે યાદીમાં અનેક ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી હરક સિંહ રાવતની પુત્રવધૂ અનુકૃતિ ગુસાઈંને લેંસડાઉનથી ટિકિટ આપવાને લઈ નારાજ થયેલા કેટલાક કાર્યકરોએ બુધવારે બપોરના સમયે કોંગ્રેસ ભવન ખાતે પ્રદર્શન કર્યું હતું. મોડી રાતે ઋષિકેશથી અનેક કાર્યકરો પૂર્વ મુખ્યંમત્રી હરીશ રાવતના ઓલ્ડ મસૂરી રોડ સ્થિત આવાસ પર પહોંચ્યા હતા અને નારાજગી દર્શાવી હતી.
આજે કિશોર ઉપાધ્યાય ભાજપમાં જોડાયા તેથી પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં સર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી દેવેન્દ્ર યાદવે કિશોર ઉપાધ્યાયને તમામ હોદ્દા પરથી હટાવવાનો આદેશ જારી કર્યો હતો. આદેશમાં દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે ઉત્તરાખંડના લોકો પરિવર્તન માટે તલપાપડ છે અને ભાજપ સરકારને ઉથલાવવાની રાહ જોઈ રહ્યા છે. કુશાસન અને ભાજપની નેતાગીરીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.